શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા સંજય સાધુ છેલ્લા 9 વર્ષથી દેશની સેવા કરતા હતા. સંજય સાધુ ભારત બાંગ્લાદેશ સરહદ ખાતે " સાઉથ સાલમારા મનકાચરકા " જિલ્લા ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ગત્ત તા. 18 ઓગસ્ટના રોજ સરહદ પર પશુ તસ્કરી થઈ રહી હોવાની શંકા જતા તેઓ તેમની ટીમ સાથે રવાના થયા હતા. તે સમયે સંજય સાધુનો પગ લપસ્તા તેઓ પાણી ભરેલા નાળામાં ડૂબી જતાં શહીદ થયા હતા.
શહીદ જવાન સંજય સાધુના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં લાખોની સંખ્યામાં શહેરીજનો શહીદના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. શહીદ જવાનના નિવાસ સ્થાને રાજકીય આગેવાનો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઘરેથી તેમની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સ્મશાન સુધી જોડાયા હતા. શહેરના ગોરવા સ્મશાન ખાતે શહીદ જવાન સંજય સાધુને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મોટી જનમેદની વચ્ચે જવાન અમર રહો, ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.