વડોદરાઃ શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા હજીરા પાસે મોબાઈલમાં ટિકટોક બનાવવા મામલે બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. આ બનાવમાં એક યુવક ઘવાયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રતાપનગર પાસે આવેલા હજીરા પાસે ટીકટોક વીડિયો ઉતારવા ગયેલા યુવકોથી લીંબુડી નજીકમાં બેઠેલા યુવકો સાથે ઝઘડો થયો હતો. હુમલાખોરોએ ટિકટોક બનાવી રહેલા યુવકો પર ચપ્પુથી હુમલો કરી નાક અને ડાબા જમણા પડખે ઇજા પહોંચાડી હતી. મકરપુરા પોલીસે આ બનાવમાં પાંચ શખ્સો વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર યાકુતપુરાના હજરત એપાર્ટમેન્ટ ખાતે રહેતો સમીર શેખ તેના મિત્રો તાસીન ધોબી અને અબરાર શેખ સોમવારે સાંજે પ્રતાપનગર હજીરાના કંમ્પાઉન્ડમાં લીંબુડી લીબુંડી સોંગ પર ટીકટોક બનાવી રહ્યા હતા. તે સમયે નજીકમાં બેઠેલા યુવકોને લીંબુડી વાગતા ઝઘડો થયો હતો.
ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ચપ્પુ વડે તાસીનને ઇજા પહોંચાડી હતી. તાસીનને તેના મિત્રો સારવાર માટે ખાનગી હોસ્પીટલ લઇ ગયા હતા. બનાવ અંગે મકરપુરા પોલીસે ગાજરાવાડી વિસ્તારમાં રહેતા હુમલાખોરો કિષ્ણા ઠાકોર, હરેશ વણઝારા, માનવ વણઝારા, ચિરાગ રાજપૂત, ક્રિષ્ણા માછી વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.