વડોદરાઃ દેશમાં દુષ્કર્મ માટે કડક કાયદો અમલમાં લાવવો અને દુષ્કર્મીઓને કડક સજા આપવા બાબતે ઈન્કલાબ સેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દિવસેને દિવસે દેશમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે અને દુષ્કર્મના આંકડા વધી રહ્યાં છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં ચાર હેવાનો દ્વારા 19 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કરી તેની જીભ કાપી દેવામાં આવી હતી અને આખરે પીડિતા જિંદગીની જંગ હારી ગઈ હતી.
આવી તો અનેક ઘટનાઓ દેશમાં રોજ બરોજ બનતી હોય છે. નારીનું જ્યાં પૂજન થાય છે. એવી આ ભારત દેશની સંસ્કૃતિ છે. ત્યાં જ બીજી બાજુ દુષ્કર્મ જેવી નીચ હરકત વડે નારીના સન્માન અને અસ્મિતાના ધજાગરા ઉડાડવામાં આવે છે. ભારત સરકાર તથા વડા પ્રધાને જે રીતે ઘણાં ઐતિહાસિક નિર્ણયો લીધા છે, તેમ નારીના સન્માન અને તેની અસ્મિતા જાળવવા માટે દુષ્કર્મીઓ સામે કડક કાયદા અમલમાં લાવવાની માગ સાથે ઇન્કલાબ સેના વડોદરા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.