વડોદરા: શહેરના અટલાદરામાં સી ટી ગ્રૂપ નામથી સંસ્થા ખોલી લોકોને સસ્તામાં અનાજ આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના જે પી પોલીસ મથકમાં ફરિયાદ થઈ હોવાનુ સામે આવ્યું છે. વડોદરાના હજારો લોકોને છેતરવામાં આવ્યા હોય તેવી વિગતો મળી રહી છે. પરંતુ હાલમાં ભોગ બનનાર જયદીપ રાઠોડે સી ટી ગ્રુપના ભેજાબાજ સંચાલક પિયુષ પ્રજાપતિ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે. જે પી પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ ચાલું કરી છે.
નોંધાઈ ફરિયાદ: એક અઠવાડિયા અગાઉ મારા મામા દ્વારા મને જાણ કરવામાં આવી કે, શહેરના નારાયણ વાડી શિવમ ટેનામેન્ટ ખાતે આવે સીટી ગ્રુપની ઓફીસ આવેલી છે. તેઓ દ્વારા ગરીબ પરિવારો તેમજ વિધવા બહેનોને 2500 રૂપિયામાં કરિયાણાની 33 ચીજવસ્તુઓ આપવામાં આવે છે. તે ક્રમશઃ 12 મહિના સુધી આપવામાં આવશે.આ સ્કીમ મારા મામાએ મને વોટ્સઅપ પર ફોટો મોકલ્યો અને તેના આધારે મેં અટલાદરા ખાતેની ઓફિસ સ્કીમ બાબતે જાણવા ગયો હતો--જયદીપ રાઠોડ(ભોગ બનનાર)
42 લાખની વધુ રૂપિયા પડાવ્યા: છેલ્લા છ મહિનાથી સ્કીમ ચલાવવામાં આવતી હતી. જેમાં માર્કેટ વેલ્યુ 4 હજારથી વધુ થાય છે. આ પ્રકારે સ્કીમ બહાર પાડી લોકો સામે છેતરપીંડી આચરી હતી. જે ફરિયાદના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી કૌભાંડ સામે આવ્યું હતું. આ વ્યક્તિ એક માર્કેટિંગ કંપની ચલાવે છે. ખાસ કરીને વિધવા અને ગરીબ લોકોના સંપર્કમાં રહેતા હતા. લોકોને વિશ્વાસમાં લઈ કામગીરી કરી સ્કીમ આપી છેતરપીંડી આચરતા હતા. આ વ્યક્તિ દ્વારા 1700 જેટલા લોકો પાસેથી 42 થી 45 લાખ જેટલા રૂપિયા પડાવ્યા છે-ડીસીપી અભય સોની
આ પણ વાંચો Vadodara Crime : વ્યાજખોરની ધમકીથી તંગ યુવકે આત્મહત્યા કરી, પરિવાર ગયો હતો લગ્નપ્રસંગમાં
પોલીસ દ્વારા વધુ તપાસ:આ અંગે જે પી પોલીસ મથકમાં આ ઈસમ સામે આઈપીસી 406, 420 મુજબ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે કેટલા લોકો ભોગ બન્યા છે અને કોઈ મોટું રેકેટ છે કે શું તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. પોલીસે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ પિયુષ પ્રજાપતિની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.