વડોદરા શહેરમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શહેરમાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને કોર્પોરેશનના કમિશ્નરનો ચાર્જ સંભાળી રહેલા શાલિની અગ્રવાલ ભારે વરસાદના અનુસંધાને શહેરના વિવિધ વિસ્તારોની નિરીક્ષણ કરી જાત મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી. આ સાથે કોર્પોરેશનના અધિકારી પણ જોડાયા હતાં.
સરદાર સરોવર બંધમાંથી છોડવામાં આવી રહેલા વિપુલ પાણીને અનુલક્ષીને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાઓના તમામ ગામોમાં તંત્ર સતર્કતા સાથે સુસજ્જ છે અને કાંઠા વિસ્તારના ગામોના લોકોને જરૂરી તમામ સાવધાની રાખવા અને તકેદાર રહેવા જણાવવામાં આવ્યું છે.
નર્મદા ફ્લડ સેલમાંથી મળેલી માહિતી અનુસાર આજે સવારે 10 કલાકે બંધમાંથી નદીમાં 6.35 લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું હતું. જે વધીને બપોરના 2 વાગે 10 લાખ ક્યુસેક્સ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ગરુડેશ્વર ખાતે બપોરના 3 વાગે પુલ નીચે નદીની સપાટી 30.5 મીટર થવાની શકયતા હતી. તેના અનુસંધાને જિલ્લા કલેકટરે તમામ ત્રણ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ અને મામલતદારને કાંઠા વિસ્તારના ગામો સુધી સતત સંપર્ક જાળવી તકેદારીના જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.