- વડોદરા પોલીસ દ્વારા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી
- ડિસ્ટ્રિક્ટ કોર્ટની મંજૂરી બાદ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
- 97 લાખની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું
વડોદરાઃ શહેર નજીક ધનયાવી ચિખોદરા ગામની સીમમાં બુધવારના રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટની મંજૂરી બાદ ઝોન-3માં આવતા મકરપુરા અને માંજલપુર પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ કલેક્ટર, નશાબંધી વિભાગના અધિકારી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
97 લાખની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું
આ અંગે ઝોન ત્રણના DSP કરણરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરની સૂચનાથી તમામ પોલીસ મથકોમાં ઝડપાયેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે બુધવારના રોજ ઝોન-3 વિસ્તારના મકરપુરા અને માંજલપુર પોલીસ મથક પૈકી મકરપુરામાં ફેબ્રુઆરી 2019થી અત્યાર સુધીમાં 33,000 વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો જેની કિંમત 75 લાખ રૂપિયા છે. તેમજ માંજલપુર પોલીસ મથકમાં 2019થી અત્યાર સુધીમાં 10,000 દારૂની બોટલો જેની કિંમત 22,00,000 લાખ છે. બન્ને પોલીસ મથકની કુલ બોટલ 45,000 જેની કુલ કિંમત 97 લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ આસિસ્ટન્ટ કલેકટર, નશાબંધી શાખાના અધિકારી, પોલીસ મથકના અધિકારી તેમજ SCPની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.