વડોદરા: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે મુખ્ય માર્ગ ઉપર આવેલી પ્રાથમિક શાળાની દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક પશુપાલકોએ પોતાના 6 બકરાને ગુમાવ્યાં છે, જેના કારણે અન્ય પશુપાલકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. તો બીજી તરફ શાળામાં વેકેશન ચાલતુ હોવાથી એક મોટી દુર્ઘટના અને જાનહાની ટળી હોવાનું પણ લોકો માની રહ્યાં છે.
શાળાની દીવાલ ધરાશાયી: જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે મુખ્ય માર્ગ ઉપર આવેલી પ્રાથમિક શાળાની દીવાલ એકાએક ઘરાશાયી થઈ હોવાની ઘટનામાં 6 બકરાઓના કરુણ મોત થયા હતા. જ્યારે અન્ય ચાર બકરાઓનો આબાદ બચાવ થયો છે. પરંતુ આ ઘટનામાં 6 બકરાઓને ગુમાવનાર પશુપાલકના પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો છે, અને દુ:ખની વેદના સાથે પશુપાલકોએ તંત્ર પાસે આર્થીક સહાય ચુકવવાની આશા વ્યક્ત કરી છે.
શાળામાં વેકેશન હોવાથી મોટી દૂર્ઘટના ટળી: મહત્વપૂર્ણ છે કે, પશુપાલકો તેમના પાલતુ પ્રાણીઓને તેમના સંતાનની જેમ ઉછેરતા હોય છે, અબોલા જીવની પીડા તેઓ પોતાની પીડાની સમજતા હોય છે, ત્યારે સમજી શકાય છે કે 6 જેટલાં બકરા ગુમાવવા પર તેમને કેટલી પીડા થઈ હશે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, જો આ શાળા શરૂ હોત અને આસપાસ વિદ્યાર્થીઓ હોત અને આ પ્રકારે દૂર્ઘટના સર્જાય હોત તો પછી તેનું પરિણામ શું આવ્યું હોત. હાલ તો આ ઘટનાને લઈને નાના એવા તેરસા ગામના પશુપાલકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.