વડોદરાઃ શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારના કલાદર્શન ચાર રસ્તા પાસે રવિવારના રોજ ઓવરટેક કરવા બાબતે ઝગડો થતાં ઈકો કારમાં સવાર ચારથી પાંચ વ્યક્તિઓએ બાઈક સવાર કેવલ જાદવને મુંઢ માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ કેસમાં મૃતકની માતા હંસાબેન કાંતિલાલ જાધવ અને પત્ની મિત્તલ બહેને પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ન્યાય અપાવવાની માંગ કરી હતી અને જ્યાં સુધી પોલીસ લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
જોકે,પાણીગેટ પોલીસ સ્ટેશન PIએ ખાત્રી આપતાં મૃતદેહ સ્વીકાર્યો હતો. આ અંગે કેવલ જાધવની પત્ની મિત્તલ અને માતા હંસાબેન જાધવે જણાવ્યું હતું કે, અમારી એક જ માંગણી છે કે, કેવલને ન્યાય મળવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક કેવલ જાધવ હાલોલ સ્થિત રાજપાલ એગ્રીકલ્ચર કંપનીમાં એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતો હતો અને તેની પત્ની મિત્તલબેન ગર્ભવતી છે. તેને 4 માસનો ગર્ભ છે અને 5 વર્ષનો એક પુત્ર રાહીલ પણ છે. પરિવારનું ગુજરાન ચલાવનાર એક માત્ર સહારો કેવલનુ મોત નિપજતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આ બનાવને પગલે પોલીસની પીસીઆર વાન આવી પહોંચતા હુમલાખોરો ઈકો કાર લઈ ભાગી છૂટ્યા હતા.બીજી તરફ કેવલને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવ અંગે પાણીગેટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી એક ઈસમ સુરજ ઉર્ફે સુઈ રમણભાઈ કહારની અટકાયત કરી હતી. જ્યારે, ઈકો કારને જપ્ત કરી આ હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.