વડોદરા : ગુજરાતના માછીમારોને દરિયાઈ સીમામાંથી માછીમારી દરમ્યાન પકડીને પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્વારા તેઓને પાકિસ્તાનની જેલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 200 માછીમારો વાઘા બોડરથી ટ્રેન મારફતે આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં. વડોદરાથી આ તમામ માછીમારોને બસ મારફતે પોતાના વતન જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. વડોદરા આવેલા ગુજરાતના માછીમારોએ પાકિસ્તાનની જેલમાં હજુ પણ બંધ અન્ય સાથીઓ મુક્ત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
2 જૂને વાઘા બોર્ડર પર સોંપાયા :ભારત અને ગુજરાત સરકારના પ્રયાસોથી પાકિસ્તાનના કબ્જામાં રહેલા ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો ટ્રેન મારફતે ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાન જેલથી મુક્તિ બાદ માછીમારો 2 જૂને વાઘા બોર્ડર આવતાં ભારતીય સત્તા અધિકારીઓને સોંપવામાં આવ્યાં હતાં.
અમે બોટમાં માછીમારી કરતા હતાં. ત્યારે પાકિસ્તાનની નેવી કોસ્ટગાર્ડ આવીને અમને પકડીને જેલમાં લઈ ગઈ હતી. એપ્રિલ 2021માં આ બનાવ બન્યો હતો. પાછળથી પણ કેટલાક લોકો આવ્યા છે. ખૂબ દુખ અનુભવી રહ્યા છે. તે પણ જલ્દી આવે તેવી આશા રાખીએ છીએ. વતન આવવાની ખુશી છે, પરંતુ અમારી પહેલાના 81 જણા અમારા લિસ્ટમાં નથી. હું એકલો છું અને મારે બે બહેનો છે જેમાં એક પરણિત છે....શૈલેષ પરમાર (માછીમાર)
મત્સ્યોદ્યોગ ખાતાની ટીમની વ્યવસ્થા : માછીમારોને ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા તેઓના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરાતાં ટ્રેન દ્વારા આજે વહેલી સવારે વડોદરા પહોંચ્યા હતાં.વડોદરાથી તેઓને બસ દ્વારા વેરાવળ તરફ રવાના કરવામાં આવ્યા હતાં. વેરાવળમાં માછીમારોના પરિવારો ઉત્સુકતાથી તેમના પહોંચવાની રાહ જોઇ રહ્યાં છે.
બોટમાં અમે છ લોકો સવાર હતાં અને માછીમારી દરમ્યાન પાકિસ્તાની કોસ્ટગાર્ડ આવીને અમને લઈ ગઈ હતી. તેઓએ 7 જેટલી બોટ પકડી હતી અને તમામને કરાચી લઈ ગયા હતા. અમને કહ્યું કે બે ત્રણ મહિનામાં છોડી દઈશું પરંતુ 2 વર્ષથી વધુ સમય થયો. પરિવારમાં હું અને પત્ની સાથે એક બાળક છે. અન્ય 280 જેટલા માછીમારો કેદ છે તેઓને હજુ નથી છોડ્યા. તેઓને પણ છોડવામાં ભારત સરકાર મદદ કરે તો સારું...ઉમેશભાઇ (માછીમાર)
પાકિસ્તાનની કરાંચી જેલમાંથી મુક્ત :કરવામા આવેલા માછીમારોમાં 171 માછીમારો ગુજરાતના છે. તેમાં મોટાભાગના માછીમારો ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા પોરબંદર, નવસારી અને જૂનાગઢ જિલ્લાના છે. જેઓે ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા વડોદરાથી રવાના કરવામાં આવ્યા હતાં.
- Pakistan Captures Indian fishermen: પાકિસ્તાન મરીને 6 ભારતીય ફિશિંગ બોટ અને 36 માછીમારોને પકડ્યા હોવાની વાત સ્વીકારી
- Fisherman killed in Pakistani Jail: ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ માછીમારનું શંકાસ્પદ મોત, એક મહિને મોતની જાણ થતાં પરિવારમાં આક્રોશ
- પાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં