1948માં જન્મેલા ભરતભાઈ દવેએ 73 વર્ષે વિદાય લીધી.
તેમનું જીવન એટલે રંગયાત્રા
મારી રંગયાત્રા પુસ્તકમાં તેમણે તેમના જીવનની વાતો લખી છે.
અમદાવાદ: ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર ભરત દવેનુ 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ એક નીવડેલા રંગકર્મી અને દિગ્દર્શક હતા.નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અનુપમ ખેર, રાજ બબ્બર, પંકજ કપૂરના સહાધ્યાયી રહી ચૂકેલા ભરત દવેએ દિગ્દર્શક તરીકે ગુજરાતી રંગભૂમિને અનેક સુંદર નાટકો આપ્યાં હતાં.
જામનગરનો એક છોકરો અધ્યાપક તરીકે મળેલી (માંડ માંડ મળતી) નોકરી પહેલા મહિને જ છોડીને મુંબઈની વાટ પકડે.
ભારતની ડ્રામાની સર્વોત્તમ સ્કૂલમાં પ્રવેશ મેળવે અને ગંભીર રીતે દિગ્દર્શક તરીકે તાલીમ લે. સિતાર શીખે. સુંદર ચિત્રો કરે. એનએસડીના છેલ્લા વર્ષમાં તેના દિગ્દર્શનપદે તૈયાર થયેલું સુંદર નાટક ગરબડ કરીને ના ભજવવા દેવાય. કડવો ઘૂંટડો પીને એ યુવક અમદાવાદ આવે અને સરસ નાટ્યપ્રયોગો કરે. ભરત દવેલિખિત મારી રંગયાત્રા પુસ્તક નાટક સાથે સંકળાયેલા જ નહીં, મીડિયા સાથે સંકળાયેલા મિત્રોએ પણ વાંચવા જેવું છે.
જો ભરત દવેએ જંયતિ પટેલ રંગલોની સલાહ માનીને એનએસડીનો અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદને બદલે મુંબઈને કર્મભૂમિ બનાવી હોત તો કદાચ...
ભરતભાઈએ 1976થી 1998 સુધી 26 નાટકોનું સર્જન કર્યું હતું. બધી વાર નાટકો સફળ થતાં નથી હોતાં, કારણે ઘણી વાર પ્રેક્ષકો નિષ્ફળ જતા હોય છે. ભરત દવેએ ગુજરાતી સાહિત્ય પરિષદના પટાંગણમાં માનવીની ભવાઈ નાટક કર્યું તેની કેફિયત રસપ્રદ છે. ગુજરાત સરકારે કે બીજી કોઈ સંસ્થાએ આર્થિક સહયોગ ના કર્યો તો આ દિગ્દર્શકે જાહેરખબર માટે શહેરમાં ઠેરઠેર ભટકવું પડ્યું હતું. ઈસરોની તેમની કામગીરી, ટીવી માટેની સર્જનાત્મક કામગીરીને જોતા કહી શકાય કે તેમણે વિવિધ ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું હતું.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને પરમ શાંતિ આપે. ભરત દવે લિખિત પુસ્તક મારી રંગયાત્રાનું પ્રકાશન ધી 35 એમએમ દ્વારા થયું છે.