સાબરકાંઠાઃ જિલ્લાના પોશીના નજીકથી પસાર થતી પરોયાં નદીમાં બુધવારે નદીમાં ન્હાવા જતા બે બાળકો ડૂબી ગયા હતા. જેના પગલે બન્ને બાળકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં પોશીના નજીકથી પસાર થતી પરોયા નદીમાં ખેડવા ડેમના બે દરવાજા ખોલતા નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેના પગલે પારોયા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. જો કે, નદીમાં પાણી આવતા તમામ ચેકડેમો ભરાઈ ગયા હતા. ત્યારે પોણાઈ ગામ નજીક બે બાળકો સ્નાન કરવા માટે ગયા હતા. સ્નાન કરવા જતા બન્ને બાળકો પાણીમાં ગરકાવ થઇ જતા સ્થાનિકો બન્નેના મૃતદેહો બહાર લાવ્યા હતા. તેમજ બંને બાળકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.
સામાન્ય રીતે નદીમાં પાણી આવે તો ગ્રામજનો સહિત સ્થાનિક લોકોમાં હર્ષની હેલી સર્જાતી હોય છે. પરંતુ અચાનક એક સાથે બે બાળકોના મોત થતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની સર્જાઈ છે.
પાણી આવતા પહેલા લોકોને સાવચેત કરાયા હોવા છતાં પાણીમાં સ્નાન કરવા જતા બે બાળકોના મોત થયા છે, ત્યારે આગામી સમયમાં આ મામલે સ્થાનિક ગ્રામજનોએ પણ તકેદારી રાખવી જરૂરી બને છે..