અમદાવાદ: દેશવ્યાપી લોકડાઉનને પગલે ઉનાળા દરમિયાન લેવાતી વાર્ષિક/ફાઈનલ પરીક્ષાઓ ગુજરાતની ઘણી યુનિવર્સિટી લઈ શકી નથી. ત્યારે વિદ્યાર્થીઓ અને વિવિધ રાજકીય પક્ષોની પરીક્ષા પાછળ ઠેલવાની અથવા માસ પ્રમોશનની માંગને લઇને યુનિવર્સિટીઓ અવઢવમાં મૂકાઇ છે.
આ અંગે થયેલા ઘણા વિરોધો બાદ બુધવારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ લેવા અંગેની બ્લુપ્રિન્ટ જાહેર કરાઈ હતી.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની ઓનલાઇન મળેલી બેઠકમાં જુદા-જુદા પક્ષોના મંતવ્યોનો ઉંડાણપૂર્વક વિચાર કરીને નક્કી કરવામાં આવ્યું છે કે,જે વિદ્યાર્થીઓને ફાઇનલ વર્ષની માર્કશીટની જરૂરિયાત હોય, જેનો ઉપયોગ વિદેશગમન માટે,સરકારી નોકરી માટે, પ્લેસમેન્ટ માટે જરૂરી હોય તે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ 2 જુલાઇના રોજ યોજાશે. તે માટે વિદ્યાર્થીએ સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જઈને માહિતી ભરવાની રહેશે.
જે વિદ્યાર્થીઓ કોરોના વાઇરસને લઇને પરીક્ષા આપવા માંગતા નથી તેમની કોરોનાવાઇરસની પરિસ્થિતિ સામાન્ય થતા સ્પેશિયલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેની રેગ્યુલર પરીક્ષાની જેમ જ ગણના કરવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ સ્વીકારનાર વિધાર્થીઓ માટે પરીક્ષા 21 જુલાઇના રોજ ઓનલાઇન યોજવામાં આવશે.
અંડર ગ્રેજ્યુએશન,ડિપ્લોમા સ્પેશિયલ કોર્સ, તેમજ રેમેડિયલ કોર્સના વિદ્યાર્થીઓની મેરિટ બેઝ પ્રોગ્રેશનની તક આપવામાં આવશે. જો આ વિદ્યાર્થીઓ પણ પોતાના ગ્રેડ સુધારવા માંગતા હોય તો તેઓ પણ પરીક્ષા આપી શકશે.PG કોર્સના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા અંડર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની જેમ જ હશે.