સુરત: ભાભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર વખતે પબ્લિસિટી સ્ટંટ માટે પ્રખ્યાત ધારાસભ્ય હર્ષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના બે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં ધારાસભ્ય હર્ષ સંઘવી સી આર પાટીલની સૌરાષ્ટ્ર રેલીમાં ગરબા રમતા જોવા મળે છે. જ્યારે બીજા વીડિયોમાં તેઓ વિશાળકાય ગણપતિની પ્રતિમા સામે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર અને માસ્ક પહેર્યા વગર પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા માટે અનુરોધ કરે છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આવી જ રીતે લોકોને કોરોનાથી બચવા માટે આગ્રહ કરતા વારંવાર જોવા મળે છે, પરંતુ આ બંને નેતાઓની વાતને અવગીને પાર્ટીના ધારાસભ્ય હર્ષ સંઘવી આ બંને વરિષ્ઠ નેતાઓની વાતને જાણે એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખતા હોય એવું લાગી રહ્યું છે.
સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ સોશિયલ મીડિયા પર ટીકાઓ શરૂ થઈ ગઇ છે. સૌરાષ્ટ્રની સી આર પાટીલ રેલીમાં હર્ષ સંઘવી કાર્યકર્તાઓ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નવરાત્રી પર લોકો ગરબા રમી શકશે કે, નહીં એ મોટો પ્રશ્ન અત્યાર સુધી ઉકેલાયો નથી, પરંતુ ધારાસભ્ય રેલીમાં ગરબા રમતા જોવા મળ્યા હતા.
વીડિયોમાં હર્ષ સંધવી ગણપતિની પૂજા અર્ચના કરતા જોવા મળે છે. સુરતમાં બે ફૂટથી વધારે ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ છે, પરંતુ હર્ષ સંઘવી ગણેશ પ્રતિમાની પૂજા અર્ચના કરી રહ્યા છે. તે ચારથી પાંચ ફૂટ ઉંચી નજરે જોવા મળે છે. એટલુ જ નહીં સિંગરથી લઇ કોરસમાં ભક્તિ ગીત પર નાચતા લોકોમાં સોશિયલ ડિસ્ટનસ પણ જોવા મળતો નથી. આ સાથે જ માસ્ક એક પણ વ્યક્તિએ પહેર્યુ નથી, જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવીનો પણ સમાવેશ થાય છે. સંઘવી અહીં પણ કલેકટરના જાહેરનામાનું ઉલ્લંઘન કરતા નજરે જોવા મળે છે. આ વીડિયો એક અઠવાડિયા પહેલાં જ શૂટ કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્ય માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સ ન રાખી લોકો સાથે જોવા મળે છે. કોરોના કાળમાં આવી ભૂલો કરનારા ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા સોશિયલ મીડિયા પર અનેક ટીકા ટિપ્પણીઓ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.