રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ફરજ બજાવતા ડોક્ટરોની અદ્ભુત સેવા
પોરબંદર જિલ્લાના 20 RBSK ડોક્ટર્સ કોરોનાના દર્દીઓને ઘરે ઘરે જઇને સારવાર, હિંમત અને માર્ગદર્શન પૂરું પાડે છે
ગામડાઓમાં ફિલ્ડ વર્ક કરી દર્દોઓને ઘરે ઘરે જઇને સારવાર આપાઈ રહી છે
પોરબંદર: પોરબંદર, રાણાવાવ, કુતિયાણા શહેર તથા ઘેડ,નેસ સહિતના ગામડાઓમાં ફિલ્ડ વર્ક કરી 20 RBSK ડોક્ટર્સ દર્દીઓને ઘરે ઘરે જઇને સારવાર પુરી પાડી રહ્યા છે. પોરબંદર શહેરના શીતળા ચોક વિસ્તારમાં ફરજ બજાવતા ડૉ. હિતેશ રંગવાણીએ કહ્યું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ દરેક ટીમને જુદા જુદા વિસ્તારો ફાળવવામાં આવે છે. કોરોના સામેની લડાઇની આ કામગીરીમાં મારા ઘરમાંથી હું, મારી પત્ની અને મારો ભાઈ RBSK ડોક્ટર અમે ત્રણેય દર્દીઓની સારવાર કરી રહ્યા છે. અન્ય ડો. મનાલી ભટ્ટ અને ડૉ. ડિમ્પલ પડિયા જેમને એક વર્ષથી નાના સંતાનો છે. તેમણે કહ્યું, ઘરમાં મા તરીકે તથા બહાર ડોકટર તરીકે અમારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. દર્દીઓની સારવાર માટે બહાર જવાનુ હોવાથી અમે ઘરમા પુરતુ ધ્યાન આપીએ કે, ચેપ વડીલો કે બાળકોને ન લાગે. દર્દીઓની સેવામાં કાર્યરત કોરોના વોરીયર્સ જયારે ફરજ પર હોય ત્થારે લોકો સન્માન અને સહયોગ આપે તે ખાસ જરૂરી છે.
દર્દીઓને ફકત દવા આપવાથી જવાબદારી પૂરી થતી નથી, નિયમિત ફોલોઅપ પણ લઇએ છીએ : ડો. જીતેન્દ્ર મારૂ
દિગ્દર્શક ઋષિકેષ મુખર્જીએ બનાવેલી 'આનંદ' ફિલ્મમા ડોક્ટરના નૈતિક મૂલ્યો અને સમાજ પ્રત્યેની જવાબદારીને અમિતાભે સિનેમાના પડદા પર બખૂબીથી લોક સમક્ષ મૂક્યા હતા. આવા જ મૂલ્યો અને જવાબદારી નિભાવતા ડોક્ટર્સ સોસાયટીમાં પણ જોવા મળતા હોય છે. કડિયા પ્લોટ વિસ્તારમાં ફરજ બજાવતા ડૉ. રાહુલ કોટીયા તથા હોમ આઇસોલેટ દર્દીઓનુ ફોલોઅપ લેતા અને ડૉ. જીતેન્દ્ર મારુએ કહ્યું કે, દર્દીઓને ફકત દવા કે સારવાર આપવાથી અમારી જવાબદારી પૂરી થતી નથી. સમયે સમયે તેનું ફોલોઅપ લેવાનું, વાઇરસનો ચેપ અન્યને ન લાગે તે માટે આસપાસના લોકોને સમજાવવા પણ એટલા જ જરૂરી હોય છે. ડો. વિવેક યોગાનંદીએ કહ્યુ, અમે દર્દીઓની સારવાર માટે જ છીએ, પણ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લોકોએ પણ વધુને વધુ જાગૃત થવાની અને કાળજી રાખવાની ખાસ જરૂર છે.