તાપી : તાપી જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા પૈકીની વ્યારા નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. પાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે એક-બે નહી પરંતુ 93 મિલકતોનું વીજ બિલ ભરવાનું બાકી છે. કુલ 41 લાખનું વીજ બિલ બાકી નીકળતા વીજ કંપનીએ વ્યારા નગરપાલિકાને નોટિસ ફટકારી છે.
વીજ કંપનીની નોટિસ : વ્યારા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી કોઈ ને કોઈ મુદ્દે વિવાદમાં આવતી રહી છે. એક તરફ વ્યારા નગરવાસીઓ પર તોતિંગ વેરા વધારાનો નિર્ણય લેવાયો છે. જો વેરો સમયસર ન ભરવામાં આવે તો તેના વિરુદ્ધ લેટ ફી સ્વરૂપે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. તો બીજી તરફ વ્યારા પાલિકા દ્વારા જ પાલિકાની અલગ અલગ મિલકતનું બિલ ચાર માસથી ભરવાનું બાકી હોવાનું સામે આવ્યુ છે. વ્યારા નગરપાલિકાના કેટલાક કહેવાતા સત્તાધીશોની અનાવતડતને કારણે વ્યારા નગરપાલિકાની અલગ અલગ 93 મિલકતોનું 41 લાખથી વધુનું વીજ બિલ બાકી છે. છેલ્લા ચાર માસનું વીજ બિલ ભરવાનું બાકી રહેતા 11 જૂને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નોટિસ ફટકારી હતી.
જવાબદાર અધિકારી ગાયબ : ઉલ્લેખનીય છે કે, વ્યારા નગરપાલિકા સમયસર બિલ ન ભરે તો અલગ અલગ 93 મિલકતોનું વીજ કનેક્શન વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવી શકે છે. તેનો સીધો ભોગ વ્યારાના નગરવાસીઓ બનશે. વીજ બિલ મામલે હકીકત જાણવા માટે વ્યારા નગરપાલિકા પર તપાસ કરતા નગરપાલિકાના જવાબદારો ઓફિસમાં ઉપસ્થિત નહોતા. આથી તેમનો ટેલીફોનીક સંપર્ક સાધતા કેટલાકે ફોન રિસીવ કર્યો ન હતો. ઉપરાંત જે હોદ્દેદારોએ ફોન રિસીવ કર્યો હતો તેમણે યેનકેન પ્રકારે બહાના બતાવી વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું.
આ મુદ્દે વ્યારા નગરપાલિકાને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. તે અંગે વ્યારા પાલિકા દ્વારા હજુ સુધી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યા નથી. આગામી 15 દિવસ પછી નોટીસ આપવામાં આવશે. ત્યારબાદ આગામી દિવસોમાં વીજ કંપનીના નિયમોનુસાર આકરી કાર્યવાહી કરવામાં આવશે.-- પી.આર. ચૌધરી (DGVCL અધિકારી, વ્યારા)
સત્તાધીશોની ઊંઘ ક્યારે ઉડશે ? બિન જરૂરી જગ્યા પર બ્લોક બેસાડી અને ત્યાં લાઈટો લગાવી દેવામાં આવી છે. તે કામો હજુ સુધી કરવામાં આવી રહ્યા છે. 93 અલગ અલગ મિલકતોનું બિલ તેમણે ભરવાનું જરૂરી ન સમજાયું ? ત્યારે સતત વિવાદો વચ્ચે ઘેરાયેલી વ્યારા નગરપાલિકાના સત્તાધીશો ક્યાં સુધી પોતાની મનમાની ચલાવશે તે જોવાનું રહ્યું.