તાપી : જિલ્લામાં કેટલાક વર્ષોથી જંગલ જમીન જેવી બાબતો પર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે નેશનલ હાઇવે નંબર 56ના જમીન સંપાદન મુદ્દે તાપી જિલ્લાના બે તાલુકાના 28 ગામો પૈકી વ્યારા તાલુકાના 22 ગામોને, ડોલવણ તાલુકાના 6 ગામોના ખેડુતોની જમીન સંપાદનથી સીધી અસર જોવા મળી રહી છે. જેમાં આવતીકાલે નેશનલ હાઇવે નંબર 56ને અડીને આવેલા નિશ્ચિત કરેલ ગામોમાં જમીન માપણીનું કાર્ય શરૂ થનાર હતું. જેને લઈને આજે ખેડુતો અને આદિવાસી પંચના આગેવાનો પ્રાંત કચેરીએ વાંધો અરજી આપવા પહોંચ્યા હતાં.
જમીન સંપાદનનો વિરોધ : ખેડૂત આગેવાનો જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણા પર બેસી ગયા હતા અને જમીન સંપાદનનો વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર મામલે પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરી એ જણાવ્યું કે, નેશનલ હાઇવે નંબર 56 માટે આદિવાસીઓની જમીન સંપાદન કરવાનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે. જેમાં વ્યારા તાલુકાથી લઈને ધરમપુરથી માંડીને આખા આદિવાસી પટ્ટામાં 300 કિલોમીટર રસ્તામાં આદિવાસીઓની જમીન જવાની છે. તેઓ તેમની એકપણ ઇંચ જમીન હવે રસ્તાઓ માટે ન આપે એમ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. વાંધા અરજી કરવાની અંત્તિમ તારીખ હોય તો પણ પ્રાંત અધિકારી ઓફિસે ન હોવાથી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં તેઓએ ધરણા પર બેસવું પડ્યું છે.
આ પણ વાંચો : ભારતમાલા પ્રોજેક્ટનો છોટા ઉદેપુરમાં પણ થયો વિરોધ
અધિકારીઓએ સરખો જવાબ ન આપ્યો : સંગીતાબેનની જમીન વચ્ચેથી નેશનલ હાઇવે જાય છે. અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવી હતી, ત્યારે સંગીતાબેન દ્વારા પ્રશ્ન કરવામાં આવતા અધિકારીઓએ સરખો જવાબ ન આપ્યો હતો. ગ્રામ સભા બોલાવવામાં આવી, ત્યારે પણ તેમને જાણ ન કરવામાં આવી. જે કઈ કાર્યવાહી કરવા આવે તે સરપંચો જાતે જ કરી લેતા હોય છે. કોઈ ને ખબર પણ પાડવા દેતા નથી. નોટિસ પણ તેમની પાસે આજુ સુધી તેમની પહોંચી નથી. જમીન છીનવાઇ ન જાય તે માટે તેઓ આવેદન પત્ર આપવા આવ્યા હતા. અમે જમીન આપવાના નથી. અમારી આ માંગણી સ્વીકારવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Bullet Train Project: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હોવા છતાં 5 વર્ષે પણ ખેડૂતને રૂપિયા ચૂકવાયા નથી
જમીન છીનવાય ન જાય તે માટે : ઉલ્લેખનીય છે કે, આદિવાસી વિસ્તારમાં લોકો ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે તેઓ પાસેથી તેમની જમીન છીનવાય ન જાય તે માટે તેઓ આજે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ધરણા પર બેસી તેમની જમીન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.