ભાવનગર: કૌટુંબિક મામાના ઘરે ધોરણ 10ની રીપીટરની પરીક્ષા આપવા આવેલી ભાણી સાથે કૌટુંબિક મામાએ જ વારંવાર ધમકી આપીને દુષ્કર્મ આચાર્ય હતું. ત્યારબાદ 2019માં કૌટુંબિક મામા વિરૂદ્ધ યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કોર્ટે આરોપીને ઝડપી લીધો હતો. કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને સજા સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
૨૦૧૯નો બનાવ: ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૌટુંબિક મામાના ઘરે ધોરણ 10 માં નાપાસ થયેલી યુવતી રિપીટરની પરીક્ષા આપવા માટે રહેવા આવી હતી. આ યુવતીની માતાના ફઇના દીકરાના ઘરે રહેવા આવ્યા બાદ તે સાંજના સમયે ટ્યુશન અને ખાનગી નોકરી પણ કરતી હતી. જો કે એક બે દિવસમાં યુવતીને તેના માતા પિતાને ત્યાં મોકલી દેવામાં આવી હતી. બે ત્રણ દિવસ સુધી કશું ના બોલતા અંતમાં તેની માતાને તેના કૌટુંબિક મામાએ કરેલા કૃત્ય વિશે યુવતીએ જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીના પિતાએ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 2019 માં શખ્સ વિરુદ્ધ પોકસો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

ઘરમાં એકલતાનો લાભ ઉઠાવીને આચર્યુ દુષ્કર્મ
ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ધોરણ 10ની રીપીટરની પરીક્ષા આપવા આવેલી યુવતી સાથે કૌટુંબિક મામા ઘરમાં કોઈ ન હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવતો હતો. આરોપી તેના ઘરના સભ્યો બહાર ગયા હોય ત્યારે કિશોરીને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. જો કે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલી ગયા બાદ કોર્ટે આરોપીને સજા અને દંડ ફટકાર્યો છે.

કોર્ટે આરોપીને ફટકારી સજા અને દંડ
ભાવનગર કોર્ટમાં કેસ દરમિયાન સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા અને સાક્ષીઓને પગલે સજા સંભળાવવામાં આવી છે. ભાવનગર કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને ઈપીકો.ક 376 (2) (એફ) (એન) અને 506 (2) તેમજ પોકસો કલમ 6 તેમજ પોકસો એક્ટની કલમ 5 (એલ) સાથે 6ના શિક્ષાપાત્ર ગુનાના કામે 20 વર્ષની સજા અને 50,000 નો દંડ ફટકાર્યો છે. જો કે સરકારની સ્કીમ હેઠળ 6 લાખ વળતર આપવા આદેશ કર્યો છે.