જુનાગઢ: સરગવાડા ગલીયાવાડ અને સુખપુર ગામને જોડતા નવા માર્ગ બનાવવાને લઈને રાજ્યના માર્ગ-મકાન વિભાગ કલેક્ટર અને જિલ્લા પંચાયત દ્વારા કામ શરૂ કરવાને લઈને વર્ક ઓર્ડર પણ કાઢી આપ્યો હતો, પરંતુ છેલ્લાં એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર જે માર્ગને બનાવવાનું ભૂલી ગઈ છે, તેને યાદ કરાવવા માટે સુખપુર ગલીયાવડ અને સરગવાડા ગામના લોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને માર્ગનું કામ શરૂ થાય તેવી માંગ કરી છે.
સરકાર માર્ગ બનાવવાનું ભૂલી ગઈ
જુનાગઢ તાલુકાના સરગવાડા સુખપુર અને ગલીયાવડ ગામના ખેડૂતો દ્વારા આજે ત્રણેય ગામને જોડતા એક માર્ગને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર અચરજ પમાડે તેવું છે.
વર્ષ 2023માં રાજ્યના માર્ગ મકાન વિભાગ જીલ્લા પંચાયત અને જિલ્લા કલેકટર કચેરી દ્વારા ત્રણેય ગામોને જોડતા એક નવા માર્ગને મંજૂરી આપવામાં આવી હતી, ત્યાંથી આગળ વધીને માર્ગ નવો બનાવવા માટે વર્ક ઓર્ડર પણ જાહેર કર્યા હતા, પરંતુ અચાનક સરકારી બાબુઓની યાદદાસ્ત જાણે કે જતી રહી હોય તે પ્રકારે પાછલા એક વર્ષથી આ રોડ રાજ્યની સરકાર બનાવવાનું ભૂલી ગઈ છે, તેને યાદ અપાવવા માટે આજે સરગવાડા ગલીયાવાડ અને સુખપુર ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને મળીને સરકારે મંજૂર કરેલો માર્ગનું કામ શરૂ થાય તેવી માંગ કરી છે
છેલ્લાં એક વર્ષથી કામ શરૂ થવાની રાહમાં
જુનાગઢ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગના નવીનીકરણ ને લઈને 61200નું પ્રાથમિક ચલણ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે. 08મી નવેમ્બર 2023થી આ ત્રણેય ગામોને અત્યાર સુધીમાં નવો માર્ગ મળી જવો જોઈતો હતો, પરંતુ કોઈ કારણોસર સરકારના ત્રણેય વિભાગો માર્ગને જાણે કે ભૂલી ગયા હોય તે પ્રકારનો ઘાટ જોવા મળે છે. જેને કારણે ત્રણેય ગામના ખેડૂતો આજે જુનાગઢ જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને સમગ્ર મામલામાં મંજુર થયેલા માર્ગ નું કામ સત્વરે શરૂ થાય તેવી માંગ કરી છે.