જૂનાગઢ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી 16 મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાવા જઈ રહી હતી. તે પૂર્વે જ ભાજપને વોર્ડ નંબર ત્રણ અને 14 માં તમામ આઠ બેઠકો અને વોર્ડ નંબર 12 ની એક બેઠક પરિણામ પૂર્વે જ બિનહરીફ મળી જતા ભાજપ ગેલમાં આવી ગઈ છે. હજુ પણ 24 કલાક કોંગ્રેસ માટે ભારી હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને કોંગ્રેસના પ્રભારી અને શહેર પ્રમુખે ભાજપ સામદામ દંડભેદ નીતિ અપનાવીને લોકશાહીની હત્યા કરી રહી છે તેઓ આક્ષેપ પણ કર્યો હતો.
ચૂંટણી પૂર્વેજ ભાજપને 8 બેઠક મળી બિનહરીફ
આગામી 16મી ફેબ્રુઆરીના દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય મતદાન અને 18મી તારીખે મતગણતરી હાથ ધરાવાની હતી. તે પૂર્વેજ વોર્ડ નંબર 03 અને 14 તેમજ 12 માં ભાજપના નવ કોર્પોરેટરો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ગત વર્ષે પણ આ જ પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચી લેતા વોર્ડ નંબર ત્રણ અને અન્ય વોર્ડમાં અલગ અલગ ભાજપના વ્યક્તિગત ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાવ્યા હતા. પાંચ વર્ષ પછી ફરી એક વખત આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. વર્ષ 2019 માં પણ જૂનાગઢ કોર્પોરેશનનો વોર્ડ નંબર ત્રણ બિન હરીફ વિજેતા થયો હતો. બિલકુલ તે જ રીતે આ વખતે પણ વોર્ડ નંબર 3 બિન હરીફ વિજેતા થયો છે. વધારાના વોર્ડ નંબર 14માં આ વખતે ભાજપને સફળતા મળી અને ત્યાં પણ કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપ વોર્ડ નંબર 14માં પણ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના એક ઉમેદવારે પણ ઉમેદવારી પરત ખેંચીને તેની સામે ચૂંટણી લડી રહેલા ભાજપના એક ઉમેદવારને બિનહરીફ વિજેતા બનાવવામાં મદદ કરી છે.
ઉમેદવારી પરત ખેંચનાર કોંગ્રેસના ઉમેદવારો
વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસે ભાજપના ઉમેદવારો શરીફા બેન કુરેશી, શહેનાઝ બેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હસમુખ મકવાણાની સામે કોંગ્રેસે પઠાણ હસીનાબેન, બલોચ મનાજબેન, પરમાર યોગેશભાઈ અને ખીરાણી અમીનભાઈને ટિકિટ આપી હતી. જે પૈકી કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ ભાજપ ઉમેદવારના સમર્થનમાં તેમની ઉમેદવારી પરત ખેંચી છે. તો બીજી તરફ વોર્ડ નંબર-14 ના ભાજપના ઉમેદવાર જમકુબેન છાયા, આદ્યશક્તિબેન, મજમુદાર બાલુભાઇ રાડા અને કલ્પેશભાઈ અજવાણીની સામે કોંગ્રેસે પ્રવિણાબેન પાણખાણીયા, આરતીબેન જોશી, ગિરીશભાઈ જેઠવાણી અને નથુભાઈ રાડાને ટિકિટ આપી હતી. પરંતુ આ ચાર ઉમેદવારોએ પણ ભાજપના સમર્થનમાં તેમની ઉમેદવારી પરત ખેંચી છે. તો વોર્ડ નંબર 12ના દિલીપભાઈ ગલે પણ વ્યક્તિગત રીતે પોતાની ઉમેદવારી સ્વતંત્ર રીતે ભાજપના સમર્થનમાં પરત ખેંચતા અહીંથી ભાજપનો એક ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે.
કોંગ્રેસ માટે હજુ પણ 24 કલાક અતિ ભારે
આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે હજુ પણ આવનારા 24 કલાક કોંગ્રેસ માટે અતિ ભારે હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જે રીતે નવ બેઠકો ચૂંટણી પૂર્વે જ બિન હરીફ થઈ છે તેવી જ રીતે અન્ય બેઠકો પણ બિન હરીફ ન થાય તે માટે કોંગ્રેસને યુદ્ધ લડવા જેવી સ્થિતિમાંથી પસાર થવું પડી શકે છે.
કોંગ્રેસના ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચવાના મામલે જુનાગઢ કોંગ્રેસના પ્રભારી પુંજાભાઈ વંશે ETV Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, ભાજપ આ પ્રકારે ડર અને ભયની રાજનીતિ ઉભી કરીને કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચાવી રહી છે જે બિલકુલ અયોગ્ય છે. જે રીતે ભાજપ ઉમેદવારોને ડરાવી ધમકાવીને ઉમેદવારી પરત ખેંચાવે છે ત્યારે તેને લઈને હવે જૂનાગઢના મતદારોએ પણ ખૂબ જાગૃત થઈને મતદાન કરવું જોઈએ તેવો મત પ્રગટ કર્યો હતો.
કોંગ્રેસ શહેર પ્રમુખે વાતને સ્વીકારી
તો બીજી તરફ જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોષીએ તેમના નવ કોર્પોરેટરોએ ઉમેદવારી પરત ખેંચવાની વાતનો સ્વીકાર કર્યો છે અને જણાવ્યું છે, તે હવે પછી કોઈપણ ઉમેદવાર ઉમેદવારી પરત ન ખેંચે તે માટે તમામ પાર્ટીના સત્તાવાર ઉમેદવારોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. હવે પછી કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર ઉમેદવારી પરત નહીં ખેંચે તેવો ભરોસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પરંતુ પાછલી ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી ઉમેદવારી પરત ખેંચવાનો સમય પૂરો ન થાય ત્યાં સુધી કોંગ્રેસ પર આ રીતે ખતરો સતત જોવા મળી શકે છે.
આ પણ વાંચો: