કચ્છ: ભુજ તાલુકાનું કુનરીયા ગામ 'લગાન' ફિલ્મ બાદ પોતાની નવીન પહેલો માટે હંમેશા અગ્રેસર રહ્યું છે સાથે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ રહ્યું છે. હાલમાં આ ગામ સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) દ્વારા વિસ્તૃત અને ટકાઉ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રક્રિયા સમાજના દરેક વર્ગને સાથે લઈને, ગામના ભવિષ્ય માટે એક મજબૂત અને સમાવેશી ધોરણ સ્થાપિત કરે છે અને અન્ય ગામો માટે પ્રેરણારૂપ બને છે. PRA એક એવી પ્રક્રિયા છે જે ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક જ્ઞાન, સંસાધન અને સમુદાયની શક્તિઓને શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લે છે.
PRA એટલે કે Participatory Rural Appraisal કે જે માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ વિકાસ માટેનું એક નવું દ્રષ્ટિકોણ છે, જે તમે જે ઇચ્છો તે નહીં, પણ જે જરૂરી છે તે કરોના સિદ્ધાંત પર આધારિત છે. કુનરીયા ગામમાં આ અભિગમ દ્વારા ગામના પ્રાથમિક પડકારો જેવા કે સફાઈ, વિકાસના અપૂરતા માળખાં અને બહેનોની રોજગારીના અભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગામમાં ઉપલબ્ધ માનવ, ભૌતિક અને કુદરતી સંસાધનોની ઓળખ પણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ગામજનોએ ગામનો નકશો બનાવ્યો હતો.
મોટા મોટા મેટ્રો શહેરોને પણ ટક્કર આપે તેવું આયોજન
જુથ ગ્રામ પંચાયતોમાં પંચાયતી રાજ ખુબ રસપ્રદ રહેતું હોય છે, અને જો તેનો યોગ્ય સુશાસન સાથે અમલ કરવામાં આવે તો ગામડાઓ પણ મોટા મોટા મેટ્રો શહેરોને પણ ટક્કર આપે તેવું આયોજન હોય છે. ભુજ તાલુકાના કુનરિયા ગામના લોકોએ એક નકશો બનાવ્યો હતો. જેમાં ઉભેલા લોકો પ્રજાના પ્રતિનિધિઓ છે. જે સામાન્ય રીતે સરપંચ સિવાય ગ્રામ્યસ્તરે હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે અથવા તો નામ માત્રના હોય છે. પરંતુ આ ગામમાં આવા લોકોને અગ્રીમ પ્રાધાન્ય આપવામાં આવે છે.
ગામમાં 150થી વધુ ઘરોમાં લખપતિ દીદી
ભુજ તાલુકાનું કુનરિયા ગામ કે જ્યાં અંદાજિત 3500 જેટલી વસ્તી છે. આ ગામ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગામના 358 ઘરોમાંથી 150 ઘરોમાં લખપતિ દીદી છે, કે જેમની વાર્ષિક 1 લાખથી વધુ છે. હાલમાં જ ગામ પાસેના રક્ષકવનમાં સોવેનિયર શોપ અને કેન્ટીનના સંચાલન થકી 22 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે.
ગામનો નકશો બનાવી 10 વોર્ડના પ્રતિનિધિઓને ઊભા રાખવામાં આવ્યા
કુનરિયામાં સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન, PRA પદ્ધતિનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ પ્રોજેક્ટના આયોજન અને સંચાલનમાં સ્થાનિક લોકોને પણ સામેલ કરે છે. જે મુજબ ગામના 10 વોર્ડના પ્રતિનિધિઓને ગામનો નકશો બનાવી ઉભા રાખવામાં આવ્યા હતા. જેનું મૂલ્યાંકન તલાટી વિમલ ગોસ્વામીથી લઈને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને સ્વચ્છ ભારત મિશનના જિલ્લાના વડાએ ઉપસ્થિત રહીને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
નક્કી કરાયેલા નિર્ણયોમાં ગ્રામજનો ભાગીદાર બનાવાયા
ગામના વિકાસ પ્રોજેક્ટના આયોજન અને સંચાલનમાં સ્થાનિક લોકોને પણ સામેલ કરવામાં આવતું હોવાથી અહીં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષકો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા કરાયેલી ભલામણો અને સુચનોએ ગામના વિકાસ માટે નવી રાહ દેખાડી છે. ગ્રામજનો દ્વારા નક્કી કરાયેલા નિર્ણયોમાં ગ્રામજનોને ભાગીદાર બનાવીને તેમને ગામની વિકાસયાત્રામાં સહભાગી બનાવવામાં આવ્યા છે જેમાં વ્યવસ્થિત પાણી વિતરણ, સફાઈ, રોજગારી પ્રોત્સાહન, આવાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર પણ પગલાં લેવામાં આવ્યા હતા.
PRA પ્રક્રિયા દ્વારા કુનરીયા ગામે અન્ય ગામોને આપ્યો સંદેશ
કુનારિયામાં સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) પ્રક્રિયાનું સફળ આયોજન એ સાબિત કરે છે કે જો સમુદાયના દરેક વ્યક્તિને પ્રાથમિકતા આપીને વિકાસનું આયોજન કરવામાં આવે તો તે માત્ર તાત્કાલિન સમસ્યાઓનો ઉકેલ પુરતુ મર્યાદીત ન રહેતા ભવિષ્ય માટે પણ ટકાઉ વિકાસના પાયો મજબૂત કરી શકે છે. PRA પ્રક્રિયા દ્વારા કુનરીયા ગામે અન્ય ગામોને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકશાહી અને વિકાસમાં લોકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવું એ જ શાસનની સાચી ઓળખ છે.
પંચાયતી રાજ મંત્રાલયના વિવિધ વર્કશોપમાં પણ વક્તા તરીકે માર્ગદર્શન
ગામના ઉપસરપંચ સુરેશભાઈ છાંગા કે જેમણે દેશના 17 રાજ્યોનો 50 પંચાયતોમાં વિકાસનું મોડેલ રૂબરૂ મુલાકાત લઇ જાણી સમજી આવ્યા છે અને તેનો નિચોડ કુનરિયા ગ્રામ પંચાયતમાં અમલમાં લાવી છે અને ઉત્તમ ગામનું ઉદાહરણ સ્થાપવા પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે યોજાતા પંચાયતી રાજ મંત્રાલયના વિવિધ વર્કશોપ અને સેમિનારમાં તેઓ વક્તા તરીકે પણ કુનરિયાનું ઉદાહરણ ગર્વભેર આપે છે.
આ પણ વાંચો: