- વ્યારા ખાતે 'ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશન' વિષય પર સેમિનારનું આયોજન
- મુખ્ય જિલ્લા ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું
- કોર્ટના ચુકાદાઓના ઉદાહરણો દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી
તાપી: વ્યારા ખાતે કાયદા અને ગૃહ વિભાગ (Department of Law and Home Affairs), ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન (Director of Prosecution), ગુજરાત રાજ્ય અને જિલ્લા સરકારી વકીલ (Gujarat State and District Government Advocate) અને પોલીસ અધિક્ષક તાપી (Superintendent of Police Tapi)ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સેવા સદનના સભાખંડમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એસ.વી. વ્યાસના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની વિશેષ ઉપસ્થિતિમાં સાયબર 'ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશન' વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓને તપાસની સાચી દિશા અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું
આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એસ.વી. વ્યાસ દ્વારા પોલીસ તપાસ દરમિયાન ભૂલો થતી અટકાવવા કાયદાની સમજ, સાચો ન્યાય થાય અને કોઇ ખામી ન રહી જાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગે તથા ધરપકડ સમયે ઘ્યાનમાં રાખવાની બાબતો, કામનું ભારણ ઘટાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રિન્સિપલ સિવિલ જજ એ.એસ. પાંડેએ ઉપસ્થિત સૌ પોલીસ અધિકારીઓને તપાસની સાચી દિશા અંગે માર્ગદર્શન પુરુ પાડતા જણાવ્યું હતું કે, કાનુની પાસાઓ અને તેમાં થતી નાની ભૂલોના પરિણામે ક્યારેક સાચો ન્યાય મળતા ચૂકી જવાય છે. ક્રોસ કેસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન અધિકારીએ ધ્યાનમાં રાખવાની બાબતો, ગુનાની જાણ થતા ત્વરીત લેવાના પગલા, ધરપકડના નિયમો અંગે કોર્ટના ચુકાદાઓના ઉદાહરણો દ્વારા વિગતવાર સમજણ આપી હતી.
હેકિંગ, એથિકલ હેકિંગ વગેરે વિશે જાણકારી આપવામાં આવી
તેમણે પોલીસનો ડર નહી, પરંતુ પોલીસનો વિશ્વાસ લોકોમા કઇ રીતે વધારી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વધુમાં તેમણે છેવાડાના માનવીને કાયદાકીય જ્ઞાન મળે તે માટે જિલ્લા/ રાજ્ય/રાષ્ટ્ર કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગ્રામ્યકક્ષાએ સેમિનાર/કેમ્પનું આયોજન કરી લોકો સુધી કાનુની સેવા પહોંચાડવા કટિબદ્ધતા વ્યકત કરી હતી.
પોલીસ અધિકારીઓએ હેકિંગ-એથિકલ હેકિંગ વિશે મેળવ્યું જ્ઞાન
સેમિનારમાં તાજપોર કોલેજના પ્રોફેસર નરેન્દ્ર જગતાપ દ્વારા સાયબર ક્રાઇમ અંગે, હેકિંગ, એથિકલ હેકિંગ, માલવેર લિંક, ડિજીટલ એવિડન્સનો કેવી રીતે ઉપયોગ કરવો, તેનો સંગ્રહ અને તે બાબતે ધ્યાનમાં રાખવાની તકેદારી અંગે વિશેષ જાણકારી આપી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, એ.કે.પટેલ, DGP એસ.બી.પંચોલી, સરકારી વકીલો તથા પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી સેમિનારમાં માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પણ વાંચો: તાપીના 2 પોલીસકર્મી 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો: "સ્વચ્છ ભારત"કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ યોજાયો