- તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસના કેસમાં નોંધનીય ઘટાડો
- જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચલાવવામાં આવે છે વિશેષ ડ્રાઈવ
- જાણો શું છે લેપ્ટોસ્પાઇરોસિસ રોગ અને તે કઈ રીતે ફેલાય છે
તાપી : જિલ્લામાં છેલ્લાં ઘણાં વર્ષોથી લેપ્ટોસ્પાઇરોસિસ (Leptospirosis) રોગ જોવા મળે છે. જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા લેપ્ટોસ્પાઇરોસિસ (Leptospirosis)ને અટકાવવા 15 જૂનથી સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના અંતરિયાળ ગામોમાં સર્વે કરીને તાવ ધરાવતા દર્દીઓને આ રોગ ન થાય તે માટે દવા આપવામાં આવે છે અને જિલ્લામાં વધુ વરસાદ શરૂ થતાં હાઈ રિસ્ક ગામોમાં આ રોગને અટકાવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી દવાઓ આપવામાં આવે છે. આ સાથે શંકાસ્પદ લેપ્ટોસ્પાઇરોસિસ (Leptospirosis)ના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતમાં ક્યા વ્યવસાયના લોકો સૌથી વધુ પ્રભાવિત
દક્ષિણ ગુજરાતમાં આ રોગ મુખ્યત્વે બે વ્યવસાયના લોકોને થાય છે. ચોખા અને શેરડીનાં ખેતરમાં કામ કરતાં ખેડૂતો અને સતત ગાયો-ભેંસોના સંપર્કમાં આવતાં પશુપાલકોને લેપ્ટોસ્પાઇરોસિસ (Leptospirosis) રોગ થવાની સૌથી વધારે સંભાવના રહેલી છે. આ રોગ ૨૫થી ૪૫ વર્ષની ઉંમરના લોકોમાં વચ્ચે વધુ પ્રમાણમાં જોવા મળે છે. પગ અથવા શરીરમાં પડેલા ઘા દ્વારા જંતુઓ સરળતાથી શરીરમાં દાખલ થાય છે અને આખા શરીરમાં રોગને પ્રસરાવે છે.
લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષણો
આ રોગનાં જીવાણું ખુલ્લા ઘા માંથી શરીરમાં પ્રવેશીને ઘણા અવયવો પર અસર કરી શકે છે. આ રોગની શરૂઆત તાવથી થાય છે. લેપ્ટોસ્પાઇરોસિસ (Leptospirosis)ના લક્ષણો પરથી તેને બે વિભાગમાં વહેંચી શકાય છે. હળવા લક્ષણો અને ગંભીર લક્ષણો. લેપ્ટોસ્પાઇરોસિસ (Leptospirosis)ના દર્દીઓ પૈકી 90 ટકા દર્દીઓ માત્ર સામાન્ય લક્ષણોથી પીડાતા હોય છે. જ્યારે અંદાજિત 10 ટકા દર્દીઓને ગંભીર લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
હળવા લક્ષણો | ગંભીર લક્ષણો |
સ્નાયુઓમાં દુ:ખાવો | કમળો, હાથ-પગ ઠંડા પડી જવા |
માથાનો દુ:ખાવો | ખાંસી, હાંફવુ કે ખાંસીમાંથી લોહી નીકળવુ |
આંખોમાં લાલાશ | મગજનો તાવ, બેભાન થઈ જવું |
લેપ્ટોસ્પાઇરોસિસ કેવી રીતે થાય છે?
આ રોગ લેપ્ટોસ્પાઇરા (Leptospira) નામનાં અતિ સૂક્ષ્મ જીવાણુંઓ દ્વારા થાય છે. આ રોગ મુખ્યત્વે પ્રાણીઓ દ્વારા પ્રસરે છે. આ રોગના મુખ્ય વાહકોમાં ઉંદર, ગાય અને ભેંસનો સમાવેશ થાય છે. જ્યારે કૂતરા, ડુક્કર, શિયાળ વગેરેમાં પણ તેના વાહકો બની શકે છે. આ પ્રાણીઓના મળમૂત્ર વાટે લેપ્ટોસ્પાઈરા બેક્ટેરિયા તેમના શરીરમાંથી બહાર આવે છે. જ્યારબાદ પ્રાણીઓના મળમૂત્ર અથવા તો મળમૂત્ર ધરાવતા પાણીના સંપર્કમાં આવનાર લોકોને તેનાથી સંક્રમિત થઈ શકે છે.
લેપ્ટોસ્પાઇરોસિસ કયારે થાય છે?
લેપ્ટોસ્પાઇરા (Leptospira) બેક્ટેરિયાની વૃદ્ધિ માટે પાણી અને ભેજવાળું વાતાવરણ અત્યંત જરૂરી છે. જેના કારણે આ રોગ ફકત ચોમાસામાં જ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડા પરથી ખ્યાલ આવે છે કે, જૂનથી ઓક્ટોબરની શરૂઆત સુધી આ રોગના કેસ નોંધાય છે. સૌથી વધુ કેસ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળે છે.