તાપી જીલ્લાનાં ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ અને અંબિકા નદી સૂકી ભટ થઈ જવાના કારણે ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટની સ્થિતિ ઉભી થઇ છે. તાલુકામાંથી પસાર થતી આ બંન્ને મુખ્ય નદીઓ પર બનાવવામાં આવેલા ચેક ડેમ ખરાબ હાલતમાં હોવાના કારણે ચોમાસુ પાણીનો ઘેરાવો થયો છે. જેના કારણે બોર અને કૂવાના તળ પણ નીચા જવા લાગ્યા છે.
ડોલવણ તાલુકો એ આદિવાસી વિસ્તાર છે અને અહીંના લોકો મૂળભૂત ખેતી અને પશુપાલન પર નિર્ભર છે.પાણીની સમસ્યાના કારણે ઉનાળુ પાકને નુકસાન થવા લાગ્યુ છે. અહીંની પ્રજા અને પશુઓ પાણી માટે વલખા મારી રહી છે. ઓલણ નદી સુકાવાના કારણે તાલુકાના અનેકો ગામોને પાણીની તંગીની ભારે અસર પહોંચી છે. હાલમાં જિલ્લામાંથી પસાર થતી ઉકાઈ સિંચાઇ યોજનાના નહેરોના પાણી બંધ છે.
ધરતીપુત્રોએ કરેલી શેરડી, શાકભાજી તેમજ ઉનાળુ ડાંગરના પાકને પાણી મળવાનું બંધ થઈ ગયું છે. કેટલાક ખેડૂતો પોતાના કુવા બોરની સુવિધા ધરાવે છે, પરંતુ સમયસર વીજળી મળતી ન હોવાના કારણે પાકને સિંચાઈ પૂરતું પાણી આપી શકતા નથી. આથી, આ વિસ્તારના ખેડૂતો માટે મોટું સંકટ ઉભું થયું છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યારે પાણીની જો આવી સમસ્યા હોય તો પ્રજાને આવનારા સમયમાં હજુ પણ ઘણી હાલાકીઓનો સામનો કરવો પડશે.