- ભાજપ સરકારે છેલ્લા 13 મહિનામાં સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે
- જાન્યુઆરીમાં 10 વાર અને ફેબ્રુઆરીમાં 16 વાર ભાવ વધારો કરવામાં આવ્યો
- સરકાર મોંઘવારીનો વિરોધ પણ કરવા દેતી નથી તેવો કોંગ્રેસે કર્યો આક્ષેપ
તાપી: કારમી મોંઘવારીને લઈને દેશની પ્રજાને જીવવાનું દુષ્કર થઈ ગયું હોવાનું જણાવી તાપી કોંગ્રેસનાં નેતાઓ કાર્યકરોની ફોજ સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. ઉપસ્થિત કોંગ્રેસનાં નેતા ડૉ. તુષાર ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી વિશ્વના અને સમગ્ર દેશમાં ચાલી રહી છે. કોરોના મહામારીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે, કરોડો લોકોએ રોજગારી ગુમાવી છે, દેશની આર્થિક પરિસ્થિત પણ ખાડે ગઈ હોય તેવા વાતાવરણમાં ભાજપ સરકારે છેલ્લા 13 મહિનામાં સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને પેટ્રોલમાં 26.78 રૂપિયા અને ડીઝલમાં 25.02 રૂપિયા 13 મહિનામાં આટલો ભાવ વધારો કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, જૂન 2013માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ 101 ડોલર હતો તેમ છતાં પણ પેટ્રોલ 63.99 રુપિયા અને ડીઝલ 50.25 રૂપિયામાં મળતું હતું. આજે એજ ક્રૂડ ઓઇલનો ભાવ 67 ડોલરનો થઈ ગયો હોવા છતાં પણ પેટ્રોલનો ભાવ 95.31 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.34 રૂપિયા છે. ક્રૂડનો ભાવ ઘટવા છતાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટયા નથી.
આ પણ વાંચો:વલસાડમાં Congress કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે ધરણા કરતાં પોલીસે ડિટેઇન કર્યા
ફેબ્રુઆરીમાં 16 વાર ભાવમાં કરવામાં આવ્યો વધારો
જ્યારે જાન્યુઆરીમાં 10 વાર ભાવ વધારો કરવામાં આવ્યો અને ફેબ્રુઆરીમાં 16 વાર ભાવ વધારો કરવામાં આવ્યો. ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી જાહેર થાય છે ત્યારે માર્ચમાં ૩ વખત ભાવ ઘટાડવામાં આવ્યો છે. એપ્રિલમાં પણ એક વાર ભાવ ઘટાડવામાં આવ્યો છે અને જેવી 29 તારીખે ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે ફરી પાછાં મે મહિનામાં 16 વાર અને જૂન મહિનામાં 5 વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસ 11 June ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કરશે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન
કોરોના ગાઈડલાઈન પ્રમાણેના કાર્યક્ર્મની તૈયારી છતાં પરમિશન નહિં
ગુજરાત સરકારે હાલ જે કૉરોનાની ગાઈડલાઈન બહાર પાડી છે તેમાં કોઈપણ કાર્યક્રમમાં 50 વ્યક્તિ સુધી છૂટ આપવામાં આવી છે. અમે કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનની પાલનની ત્યારી સાથે પરમિશન માંગી હોવા છતાં પણ એમને પરમિશન આપવામાં નથી આવી અને અધવચ્ચેથી અમારા કાર્યક્રમમાંથી અમને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ત્યારે આ સરકારે મોંઘવારીનો વિરોધ પણ કરવા દેતી નથી તેવો આક્ષેપ કર્યો હતો.