સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક હાઇવે પર પુરપાટ જતા ટ્રકે એક મોટર સાઇકલને અડફેટમાં લેતા ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજયું હતું. પલસાણાનો સંતોષ નામનો યુવક નોકરીએથી ઘરે પરત જતા અકસ્માતનો ભોગ બન્યો હતો. જો કે, યુવકના મોત બાદ સ્થાનિક ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને નેશનલ હાઇવે પર પડેલા મસમોટા ખાડાને લઇ વારંવાર અકસ્માતો થતા રહે છે. જેને લઇને ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. લોકોએ હાઇવે જામ કરી દેતા વાહનોની બંને તરફ લાંબી લાઇન લાગી ગઈ હતી.
નેશનલ હાઈવે હોવા છતાં અધિકારીઓ દ્વારા ખાડા પુરવાની પણ તસ્દી લેવાતી નથી. જેને પગલે અનેકવાર અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. ખાડાઓને કારણે ગ્રામજનોનો રોષ જોતા પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતાં. જ્યાં સુધી ખાડાઓનો પ્રશ્ન છે ત્યાં ખુદ IRBના અધિકારીઓ પણ પોતાની લાપરવાહી કબુલી કરી રહ્યા છે અને કોન્ટ્રાકટર ઉપર ધોળી ગ્રામજનોને ખાડા પુરી દેવા હૈયા ધરપત આપી હતી.
ખાસ કરીને ચોમાસાની મોસમ શરૂ થયાને આ કરણ ગામ નજીક હાઈવે ઉપર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અહીં આ બનાવો વારંવાર બની રહ્યા છે. જેને લઇને ગ્રામજનો પોતાની માગ સાથે અડગ રહ્યા હતાં અને આક્રોશ સાથે પોતાની રજૂઆતો કરી હતી.