- ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદની આગાહી
- ભાર વરસાદના કારણે તાપી નદીમાં પાણીનો આઉટફ્લો વધારવામાં આવ્યો
- ઉકાઈ ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે
તાપી: ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લે છેલ્લે સપ્ટેમ્બર માસમાં પાછોતરો મુશળધાર વરસાદ શરૂ થયો છે જેમાં પણ પશ્ચિમ બંગાળમાં જે વરસાદની સિસ્ટમ બની છે તે સિસ્ટમના પગલે 28 અને 29 સપ્ટેમ્બર આ 2 દિવસ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગતરોજ પણ ઉકાઇના કેચમેન્ટમાં આવેલા કેટલાક ગેજ સ્ટેશનમાં ભારે વરસાદ વરસતા સત્તાધીશોએ ડેમનું રૂલ લેવલ મેઇન્ટેઇન કરવા ગત મોડી રાત્રીથી જ તાપી નદીમાં પાણીનો આઉટફ્લો વધારવાની ફરજ પડી હતી. પ્રારંભે 70 હજાર કયુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડ્યા બાદ તબક્કાવાર વધારીને આજે બપોરે એક વાગે ઉકાઇ ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. હાલમાં બપોરે એક વાગ્યા સુધી ઉકાઇ ડેમની સપાટી 341.81 ફૂટ નોંધાઇ છે. હાલ ડેમના 13 દરવાજા 6 ફુટ અને 1 દરવાજો 5 ફુટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઇ રહ્યું છે.
ગત મોડી રાત્રીથી જ આઉટફ્લો વધારવાનો લેવાયો નિર્ણય
ઉકાઈ ડેમના સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ડેમના કેચમેન્ટમાં આવેલા ગેજ સ્ટેશનોમાં ગતરોજ 338 મી.મી. જેટલો ભારે વરસાદ વરસતા ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં બપોરે એક વાગ્યા સુધી 54,654 ક્યુસેકનો વધારો થયો છે. આજે સાંજે 7 વાગ્યે ડેમની સપાટી 341.81 ફુટ નોંધાઇ છે. ડેમનું ભયજનક લેવલ 345 ફૂટ છે. ડેમની સપાટી નીચે લાવવા માટે અને આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે સત્તાધીશો દ્વારા આગમચેતીના પગલારૂપે ગત મોડીરાત્રે 22 કલાકે ઉકાઇ ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે તબક્કાવાર વધારીને આજે સવારે 10 કલાકે 97,234 ક્યુસેક કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે એક વાગ્યે 1.24 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું.
હથનુર ડેમમાંથી 43,122 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે
ઉકાઇ ડેમના સૂત્રો મુજબ ડેમમાં હાલમાં લાઈવ સ્ટોરેજ 6224.23 એમસીએમ છે અને પાણીનું ગ્રોસ સ્ટોરેજ 6924.23 એમસીએમ છે. વધુમાં ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલીને ઉકાઇ ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલા પ્રકાશા બેરેજ માંથી તાપી નદીમાં 45,758 ક્યુસેક પાણીનો જથ્થો આવી રહ્યો છે. તેના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમમાંથી 43,122 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. તમામ પાણીનો જથ્થો ઉકાઇ ડેમમાં ઠલવાતો હોઈ તેમજ પાછોતરો વરસાદ સપ્ટેમ્બર માસમાં વરસી રહ્યો હોઈ ઉકાઈ ડેમના સત્તાધીશોની છેલ્લા 3 દિવસથી ડેમને પૂરેપૂરો ભરવાની કસોટી થઇ રહી છે.
1.24 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
જો કે સત્તાધીશોએ આગમચેતી વાપરીને ગતરોજ રવિવારે મોડી સાંજથી જ ઉકાઇ ડેમમાંથી 10 દરવાજા ખોલીને પહેલા 70 હજાર ક્યુસેક પાણી અને તબક્કાવાર રીતે આઉટફ્લો વધારીને 97,234 ક્યુસેક પાણી બાદમાં બપોરે વધારીને 1.24 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જે પાણીનો જથ્થો મોડી સાંજે સુરત આવી પહોંચતા તાપી 2 કાંઠે વહેતી જોવા મળશે.
સોમવારે બપોરે ડેમની 1 વાગ્યાની સ્થિતિ
- ઉકાઇ ડેમની સપાટી: 341.81 ફુટ
- ભયજનક સપાટી: 345.00 ફૂટ
- રૂલ લેવલ: 345.00 ફૂટ
- ઇનફ્લો: 52,690 ક્યુસેક
- આઉટફ્લો: 1,74,919 ક્યુસેક
- લાઈવ સ્ટોરેજ એમસીએમ : 6224.23
- ગ્રોસ સ્ટોરેજ: 6908.62
- હથનુર આઉટ ફલો: 43,122 ક્યુસેક
- પ્રકાશા ડેમઃ 45,758 ક્યુસેક(ડેમના 13 દરવાજા 4 ફૂટ ખુલ્લા રાખીને પાણી છોડવામાં આવી રહ્યું છે.)
આ પણ વાંચો: Breaking News : તાપી જિલ્લાનો ઉકાઈ ડેમમાં 12 કલાકે 11443 ક્યુસેક પાણીની આવકમાં વધારો
આ પણ વાંચો: તાપી રિવરફ્રન્ટ માટે સુરત મનપા વિશ્વ બેંક સાથે બનાવશે સંયુક્ત નકશો