વઢવાણ પાલિકાનાં વોર્ડ નં -૧માં આવેલા ઉમિયા ટાઉનશીપમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં રોગનો ભોગ બનવાનાં ભયને કારણે સ્થાનિક મહિલાઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.આ ઉપરાંત શેરી નં - ૪ થી ૬માં પાલિકા તંત્ર દ્વારા રોડ -રસ્તા, પાણી, સફાઈકામ સહિતની સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિતનાં લોકોને ભારે હાલાકી પડી રહી હતી.
તાજેતરમાં જ વરસાદ બાદ પાણીનો નિકાલ ન થતાં મરછર અને પાણીજન્ય રોગો ફેલાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તેમજ ડેન્ગ્યુનાં ઘણા શંકાસ્પદ કેસો પણ નોંધાયા છે. વરસાદી પાણીનાં નિકાલ અંગે સ્થાનિકે સદસ્ય સહીત પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમટી પડી હતી અને ચાલુ મીટિંગ દરમિયાન હલ્લાબોલ કરતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જિલ્લા કલેકટર કે. રાજેશએ ચાલુ મીટિંગ છોડી બહાર આવી મહિલાઓની રજૂઆત સાંભળી હતી અને યોગ્ય ઉકેલ લઇ આવવાની ખાતરી આપી હતી.