ભરૂચ : જંબુસરના મગણાદ નજીક જીવલેણ અકસ્માત સર્જાયો છે. હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ બનાવમાં 7 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.
મગણાદ નજીક ગોઝારો અકસ્માત : આ અંગે મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના લોકો ઇકો કાર મારફતે ભરૂચ જઈ રહ્યા હતા. કારમાં 10 જેટલા લોકો સવાર હતા. આ દરમિયાન મોડી રાત્રે 10:45 કલાકની આસપાસ મગણાદ ગામ નજીક પસાર થતા સમયે હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો સ્થળ પર એકઠા થઈ બચાવ કામગીરીમાં લાગ્યા હતા.
7 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત : આ ગોઝારા અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા, જેમાં પાંચકડા ગામના સપનાબેન જયદેવ ગોહિલ અને જયદેવ ગોવિંદભાઈ ગોહિલ તથા કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ, વિવેકકુમાર ગણપતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નીધીબેન ગણપત, મિતલબેન ગણપતભાઈ, ગણપતભાઇ રમેશભાઈ અને અરવિંદભાઈ રયજીભાઈ એમ કુલ ચાર લોકો ગંભીરરુપે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.