સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા અને પાલડી તાલુકાનો રણ વિસ્તાર મોટા પાયે ફેલાયેલો છે. આ વિસ્તારમાં ધુડખર અભ્યારણ આવેલું છે. જેમા સમગ્ર વિશ્વમાં દુર્લભ માનવામાં આવતા એવા ધુડખર સહિતના પ્રાણીઓની પ્રજાતિ વસવાટ કરે છે. સમગ્ર દેશ સહિત વિશ્વમાંથી પ્રવાસીઓ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણ વિસ્તારમાં આવેલા ધુડખર અભ્યારણની મુલાકાતે આવતા હોય છે, ત્યારે થોડા દિવસો પહેલા ધ્રાંગધ્રા તાલુકાનાં કુડા કોપરણી રણ વિસ્તારમાં ત્રણ ધુડખરોના મૃતદેહ મળી આવ્યાં હતાં.
ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ધુડખરની હત્યા ફાયરિંગ કરી કરવામાં આવી હોય તેવું બહાર આવ્યું હતું. જેના આધારે ધ્રાંગધ્રા ડીવિઝન પોલીસ સ્ટાફ સહિત સ્થાનિક વનવિભાગની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, થોડા દિવસો પહેલા ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા ધ્રુવરાજસિંહ જાડેજા, ડ્રાઇવર તથા અન્ય એક વ્યક્તિ મળીને ત્રણેય શખ્સો રણમાં આવેલા વાછડા દાદાના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કરી પરત ફરતી વખતે કુડા કોપરણી વચ્ચે આવેલા રણ વિસ્તારમાં ધુડખરનું ટોળુ નજરે પડતા આરોપી ધ્રુવરાજસિંહએ બાર બોરની બંદુક વડે ધુડખરો પર ફાયરિંગ કરતા ત્રણ ધુડખરોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ધુડખરો નાશી છૂટ્યા હતા. આ મામલે ધ્રાંગધ્રા પોલીસ અને વનવિભાગની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓને ઝડપી પાડી અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે વધુ પુછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના મોઝ શોખ ખાતર અને શિકાર કરવાના હેતુથી ફાયરિંગ કર્યુ હોવાનુ પણ બાહર આવ્યું હતું.