સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો વકર્યો છે, ત્યારે સુરેન્દ્રનગર વઢવાણની નગરપાલિકાઓ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી ભરાયેલા પાણી, કચરાઓના ઢગલા અને ગંદકી જોવા મળે છે. સરકારી હોસ્પિટલોમાં એમ. ડી ડોક્ટરો, એમ. ડી પેથોલોજીસ્ટ નથી. પરિણામે ડેન્ગ્યુ જેવા રોગની સારવાર માટે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને ઈલાજ માટે ખાનગી હોસ્પિટલમાં સેવા લેવી પડે છે.
રાજ્યના મુખ્યપ્રધાન, આરોગ્ય પ્રધાન, ધારાસભ્ય, સાંસદને મહાત્માં ગાંધી સ્મારક હોસ્પિટલમાં ડોક્ટરો તથા તપાસના સાધનોની સગવડતાને લઇને અરજીઓ કરી લોકો પણ થાકી ગયા હતાં. જે હોસ્પિટલનું નામ રાષ્ટ્ર પિતા મહાત્માં ગાંધી નામથી આવેલ છે, ત્યાં જ જરૂરી રોગોની સારવાર માટે ડોક્ટરો જ નથી, ત્યારે અનેક સમસ્યાઓના કારણે આજે કૉંગ્રેસ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ગાંધી હોસ્પિટલમાં જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે કૉંગ્રેસ દ્વારા અનેક સમસ્યાઓ વચ્ચે હલ્લા બોલ કરવામાં આવી હતી.
ગુજરાતની ભાજપ સરકાર આરોગ્ય સેવા આપવામાં સદંતર નિષ્ફ્ળ ગયેલ હોય, ઘરે ઘરે બીમારીના ખાટલા અને અપૂરતા ડોક્ટર અને સ્ટાફની નિમણુંક બાબતે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે આ બાબતે સરકાર અને આરોગ્યની આંખ ઉઘડે તેવા પ્રયાસો સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતાં.