સુરત: પાટણની કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બાદ હવે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ( VNSGU) પણ એલર્ટ થઇ ગઈ છે. યુનિવર્સિટી દ્વારા દક્ષિણ ગુજરાતની 300 કોલેજને સૂચના આપવામાં આવી છે. જ્યાં આજરોજ યુનિવર્સીટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
27 વિભાગોને સૂચના: આ મિટિંગ અનુસાર જો આવી કોઈ ઘટના સામે આવે તો જે તે વિદ્યાર્થીઓ સામે સસ્પેન્ડ કરવાના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. ઉપરાંત અલગ અલગ 27 વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે, જ્યારે મેડિકલ કોલેજ અને પેરા મેડિકલ કોલેજીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે. સાથે યુનિવર્સીટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે કમિટી બનાવામાં આવી છે.
ઘટના ખૂબ જ દુઃખદ અને ગંભીર છે: આ બાબતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પાટણ યુનિવર્સિટીમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ અને ગંભીર ઘટના છે. આપણી યુનિવર્સિટીમાં 300 થી વધુ કોલેજ આવી છે ઉપરાંત 27 જેટલાં વિભાગો આવેલા છે. આ તમામ કોલેજ અને વિભાગોને જાણ કરવામાં આવી છે. ઉપરાંત આજે તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થી વિરુદ્ધ તાત્કાલિક પગલાં: વધુમાં માહિતી આપતા યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, કોલેજના તમામ પ્રિન્સિપાલને આવી કોઈ ઘટના ન બંને તે માટે સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી આ પ્રકારની ઘટનાને અંજામ આપે તો તે વિદ્યાર્થી વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. સાથે જો વિદ્યાર્થીઓ પાસે આ મામલે કોઈ પ્રશ્ન હોય તો તાત્કાલિક જે તે કોલેજના પ્રિન્સિપાલ અથવા શિક્ષકોની જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે. જો વિદ્યાર્થી પ્રિન્સિપાલને જાણ ન કરી શકતો હોય તો વિદ્યાર્થી યુનિવર્સિટી વહીવટી ભવનમાં આવીને મૌખિક જાણ કરી શકે છે. આ પ્રકારના ઘટનાઓમાં યુનિવર્સિટી તાત્કાલિક ધોરણે પગલાં લેશે. ઉપરાંત મેડિકલ કોલેજીસ સાથે 50 જેટલી પેરા મેડિકલ કોલેજ સાથે પણ આજે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓને પણ આ પ્રકારની ઘટનામાં તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: