લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોને પૈસા બમણા કરવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચવાનો મામલો સામે આવ્યો છે. રોકાણકારોની ફરિયાદ પર ગોમતી નગર પોલીસે ફિલ્મ અભિનેતા સહિત 7 લોકો સામે કેસ નોંધ્યો છે. આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
લખનઉના જાનકીપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી અનિશ કુમાર અને અન્ય ઘણા લોકોએ ધ લોની અર્બન મલ્ટી સ્ટેટ ક્રેડિટ સોસાયટી (LUCC) વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. કોર્ટના આદેશ પર જાનકીપુરમ પોલીસે કેસ નોંધ્યો છે. રોકાણકારોના મતે, કંપનીએ તેમની સાથે લગભગ 9 કરોડ 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.
રોકાણકારોએ જણાવ્યું હતું કે, લોની અર્બનના ડિરેક્ટરોએ 6 વર્ષમાં તેમના પૈસા બમણા કરવાનું વચન આપીને 45 લોકો સાથે 9.12 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘણો સમય વીતી ગયો હોવા છતાં, તેમને પૈસા મળ્યા નહીં. જ્યારે તેમણે પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. ત્યાર બાદ, કોર્ટની મદદથી કેસ નોંધવામાં આવ્યો. રોકાણકારોની ફરિયાદ પર પોલીસે અભિનેતા શ્રેયસ તલપડે, આલોક નાથ, કંપનીના ડિરેક્ટર ડૉ. ઉત્તમ સિંહ રાજપૂત, સંજીવ વર્મા, સમીર અગ્રવાલ, શબાબ હુસૈન અને આરકે શેટ્ટીને પણ આરોપી બનાવ્યા છે. ગોમતી નગર એક્સટેન્શન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
આલોક નાથ અને શ્રેયસ તલપડેને બનાવાયા હતા બ્રાન્ડ એમ્બેસેડર: લોની અર્બન મલ્ટી સ્ટેટ ક્રેડિટ સોસાયટી (LUCC) પર કંપનીમાં રોકાણ કરવા માટે લોકોને લાલચ આપીને 9 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. LUCC કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શ્રેયસ તલપડે અને આલોક નાથને દર્શાવવામાં આવ્યાં હતાં. ગોમતી નગર એક્સટેન્શન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુધીર કુમાર અવસ્થીએ જણાવ્યું કે રોકાણકારોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
કોર્ટના આદેશ પર યુપીની રાજધાની લખનૌમાં અભિનેતા શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.