ખેડા: મહાસુદ પાંચમ વસંત પંચમી રવિવારના દિવસે કુંભ તથા પ્રયાગરાજની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજીના વરદ હસ્તે કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આચાર્ય રાકેશપ્રસાદજી તથા સંતો મહંતોના આર્શીવચનથી વડતાલધામ ખાતે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. જેનાથી સૌ સત્સંગીબંધુ કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકશે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવાર આ ઉમદા કાર્યમાં સામેલ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.
સત્સંગી ડીજીટલ એપના માધ્યમથી પોતાનો પેઢી,વારસો જાણી શકશે
કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યમાં સત્સંગી પોતાના પરિવારનો ઈતિહાસ, ગોત્ર વગેરે જેવી બાબતો ડિજિટલ એપના માધ્યમથી તેમજ પોતાના પરિવારની સિદ્ધિઓ સાથે ઓડિયો અને વીડિયો પણ આજીવન સુનિશ્ચિત રાખી શકે છે. આ વંશાવલીના માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ભવિષ્યમાં જ્યારે પણ દર્શને આવશે ત્યારે પોતાની પેઢી, વારસો વગેરેની વિગતો જાણી શકશે. જેનાથી પારંપારિક રિવાજો તથા સંસ્કારોનું પણ સિંચન ભાવિ પેઢીમાં જોવા મળશે. ઇતિહાસ એનો જ માનવામાં આવે છે જેનો લખાયો છે. જેથી આ પ્રસંગે સૌ સત્સંગીઓ તથા સમાજના તમામ વર્ગ આધુનિક વંશાવલી લેખન કાર્યનો લાભ મેળવે તેવી હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી.
ધર્મસંસદમાં માન્યતા અપાઈ છે
ઉલ્લેખનીય છે કે કુલવૃક્ષને 2025 માં યોજાયેલ પરમ ધર્મસંસદ 1008ની અંદર વંશાવલી લખવા માટેની માન્યતા આપવામાં આવી છે. ધર્મસંસદમાં વંશ પ્રમાણે ડિજિટલ રેકોર્ડ રાખવાની વાત પણ કરવામાં આવી છે. જેથી ભાવિ પેઢીને પોતાના કુળ, વંશ, ગોત્ર વિગેરે વિશે ડિજિટલ માધ્યમથી માહિતી સરળ રીતે પ્રાપ્ત થઈ શકે.
સંતો, મહંતો અને હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા
આ પ્રંસગે વડતાલ ધામ મંદિરના કોઠારી સંત સ્વામીજી, જ્ઞાનબાગથી લાલજી ભગત, સંતગણ, ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. નડીઆદના ચેરમેન તેજશકુમાર પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: