સુરેન્દ્રનગર રાજ્ય સરકારે સાર્વત્રિક શિક્ષણની પરિભાષાને ચરિતાર્થ કરી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના 100 ટકા નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના સંવર્ધન માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
ભુપેન્દ્રસિંહે ઝવેરચંદ મેઘાણીને યાદ કરી આઝાદીની લડત માટે તેમણે આપેલ સાહિત્યીક યોગદાનને પણ બીરદાવ્યું હતું. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહના હસ્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાંગણમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાએ પ્રાસંગિક ઉદ્વબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડીયા, ગુજરાત શૈક્ષણિક અને સંશોધન અને તાલીમ પરિષદના નિયામક ડૉ.ટી.એસ.જોષી, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એન. બારડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સી.ટી.ટુંડીયા, અગ્રણી પિનાકીન મેઘાણી, અભેસંગ રાઠોડ, દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતાં.