લીંબડી : નગરપાલિકામાં કોન્ટ્રાકબેઇઝ પર કામ કરતા 70 સફાઈ કામદારોને 8 માસનો પગાર ન મળતાં કોંગ્રેસના નેજા હેઠળ સફાઈ કામદારોએ દુકાને દુકાને વાટકા લઈને ભીખ માંગીને વિરોધ વ્યક્ત કર્યો હતો. અનેકવાર પગાર મુદ્દે રજૂઆત કરીને મામલતદારને આવેદનપત્ર આપી ચૂક્યા છે. તા.20 જૂન સુધી બાકી પગાર નહીં ચૂકવાય તો 49 કર્મીએ આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
તેમ છતાં સુધરાઈ તંત્ર દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં આવી નથી. ત્યારે કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા કામદારોએ 5 દિવસથી હડતાળ પાળી ઘરે રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 310 રૂ. રોજ ચૂકવે બદલે કોન્ટ્રાક્ટર 250 રૂ. રોજ ચૂકવતાં હોવાનો સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો હતો.
જિલ્લા પંચાયત સદસ્ય ભગીરથસિંહ રાણા, લીંબડી પાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતા અંબારામભાઈ દલવાડી,દિલીપભાઈ વલેરા, ઈલેશભાઈ ખાંદલા સહિત કોંગી કાર્યકરોના નેજા હેઠળ સફાઈ કામદારોએ બેનરો સાથે રેલી યોજી હતી. જેમાં વાસણ લઈ શહેરીજનો પાસે ફાળો ઉઘરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તા.1 નવેમ્બર-19થી તા.1 જૂન-2020 સુધી 8 માસનો બાકી પગાર નહીં ચૂકવાય તો 20 જૂને 49 સફાઈ કામદારોએ મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.