સુરેન્દ્રનગરઃ અનુદાનિત શાળાના શિક્ષણ સહાયક ભરતીનું મહેકમ 2017માં મંજૂર કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળાની વિદ્યાસહાયક ભરતીનું મહેકમ પણ અગાઉ મંજૂર થઈ ગયું છે. આ બંને ભરતી માટે જરૂરી એવી ટેટ ટાટની પરીક્ષા આજથી બે-ત્રણ વર્ષ પહેલાં યોજાઈ હતી. તેમ છતાં ભરતી પ્રક્રિયા ન થતાં ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો.
શિક્ષણપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કરેલી જાહેરાત મુજબ તારીખ 5 જાન્યુઆરી 2020એ અનુદાનિત શાળામાં શિક્ષણ સહાયકની 5106 જગ્યા પર તેમજ વિદ્યા સહાયકની 3000 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હતી, પરંતુ 7 મહિના વિતવા છતાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.
આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે 5 હજારની વધુ નોકરી વાંચ્છુક ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. જેના પગલે સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ આવેદનપત્ર પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
વર્તમાનમાં ગુજરાત સરકારની ભરતીમાં મહિલા અનામત અંગેની સ્પષ્ટતા કારણે તમામ ભરતીને સ્થગિત કરવામાં આવી છે. GAD 01/08/18ના પરિપત્ર અનુસંધાને મહિલા અનામતની ગણતરી અંગે જે પ્રશ્ન છે,એ નિમણૂક માટે ફાઈનલ મેરીટ બનાવવામાં નડતરરૂપ બનતો પ્રશ્ન છે.
ભરતીની જાહેરાત આપવી ઓનલાઈન ફોર્મ ભરવા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું જેવી ભરતી પ્રક્રિયાઓમાં આ પ્રશ્ન નડતરરૂપ બનતો નથી.તેમજ ભરતીની જાહેરાત આપવી અને ઓનલાઈન ફોર્મ ભરાવવા જેવી પ્રક્રિયા કોરોના મહામારી વચ્ચે પણ થઈ શકે તેમ હોવા છતાં કરવામાં ન આવી હોવાનું રજૂઆત કર્તાઓએ જણાવ્યું છે.નોકરી વાંચ્છુક ઉમેદવારોએ ન્યાય મેળવવા માટે ઘરે રહીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.