સુરેન્દ્રનગર: જિલ્લાની નગરપાલિકાઓમાં અનુસુચિત જાતિના અતિ પછાત એવા વાલ્મીકી સમાજના અનેક સફાઇ કામદારો કોન્ટ્રાક્ટ બેઝ પધ્ધતિથી તેમજ રોજમદાર તરીકે ફરજ બજાવે છે. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી હોવા છતાં આ તમામ સફાઇ કામદારો પોતાના જીવના જોખમે સફાઇ કામગીરી કરી નિષ્ઠાપૂર્વક સફાઇ કામગીરી કરી રહ્યા છે. તેમ છતાં રાજય સાથે સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાઓમાં સફાઇ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યુ છે.
ત્યારે વઢવાણ નગરપાલિકાના અંદાજે 50 થી વધુ સફાઇ કામદારોને ફુલ ટાઇમમાંથી પાર્ટટાઇમ કરી દેવામાં આવ્યા હતા. જેથી છેલ્લા 15 દિવસથી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા છે. આ ઉપરાંત પાલિકાઓમાં સફાઇ કામગીરીની કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી, રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવા, નવી ભરતી કરવી, ધારા ધોરણ મુજબ લઘુતમ વેતન ચુકવવુ, PPF સ્કીમનો લાભ આપવો, નિયમીત પગાર ચુકવવો સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઇ જ ઉકેલ નહિ આવતા દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીની આગેવાની હેઠળ શહેરના આંબેડકર ચોકથી સુરેન્દ્રનગર નગરપાલિકા સુધી સફાઇ કામદારોના હક્ક અધિકાર માટેની મહારેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ.
પરંતુ તંત્ર અને પોલીસ દ્રારા રેલીની મંજુરી ન હોવાથી રેલી પ્રસ્થાન થયા બાદ રસ્તામાં જ ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી સહિતના આગેવાનો અને મહિલા સફાઇ કામદારો કામદારો સહિત અંદાજે 150 જેટલા લોકોની પોલીસે અલગ અલગ વાહનોમાં અટકાયત કરી હતી. જયારે મહિલા સફાઇ કામદારોને બળજબરી પુર્વક અટકાયત દરમિયાન પોલીસે દાદાગીરી કરી હોવાનો પણ આક્ષેપ કામદારોએ કર્યો હતો. તેમજ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ પણ પોલીસની કામગીરીને વખોડી કાઢી ભાજપ સરકાર સામે આકારા પ્રહારો કર્યા હતા.તેમજ આવતીકાલથી શહેરી વિસ્તારમાં સફાઇ કામદારો દ્રારા હડતાલ પાડી સફાઇ કામગીરીથી અળગા રહેવાની ચિમકી ઉચ્ચારી હતી.