સુરેન્દ્રનગર: જિલ્લામાં સાવત્રિક મેધા મહેર થતાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે શહેરના દરેક વિસ્તારમાં રસ્તાઓની હાલત દયનીય બની ગયેલા છે. ઠેર-ઠેર ગાબડા રાજ અને ભષ્ટાચારની પોલ વરસાદ ખોલતો હોય તેમ નવા જંકશન રોડ, ટાવર રોડ, વઢવાણ ગૌરવ પંથ, જોરાવરનગર કોઝવે રોડ, તેમજ બે વર્ષ પહેલાં જ રૂપિયા 10 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી રિવરફ્રન્ટની હાલત ખાડા રાજ જેવી બની ગયેલી છે.
રિવરફ્રન્ટ પર વાહન ચાલકો વાહન લઇને નિકળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આ રિવરફ્રન્ટ હજુ બે વર્ષ અગાઉ જ બનેલો છે, બે વર્ષમાં રિવરફ્રન્ટ પર ઠેર-ઠેર ખાડાઓમાં વાહનો ફસાઇ જાય છે. જેને લઇને વિપક્ષ કોગ્રેસે રિવરફ્રન્ટ બનાવવામાં ભષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. રિવરફ્રન્ટ બે વર્ષ પહેલા બન્યો, ત્યારબાદ તેની પર અનેક વખત લાખો રૂપિયા ખર્ચી અને સમારકામ કરવામાં આવ્યા છે.
હાલ શહેરમાં ધોધમાર વરસાદ પડતા રિવરફ્રન્ટ બનાવવામાં ભષ્ટાચારની પોલ ખોલી નાખી હતી. તેમજ વઢવાણમાંથી પસાર થતો નેશનલ હાઇવે શીયાણીપોળ પાસે મસમોટા ગાબડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. આમ, એકંદરે શહેરના રોડ રસ્તાઓ હાલ ખાડા રાજ બની જતા વાહન ચાલકો અને લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ રોડ રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટર પર કંડક પગલા ભરવા માંગ કરી રહ્યાં છે. તેમજ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત વિશે પાલિકા તંત્રએ કાંઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.