સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રભરમાંથી ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવા રેન્જ IG સંદિપસિંહે અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપી છે. LCB, PI ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ PSI વી. આર.જાડેજા તથા સ્ટાફના લોકોને અલગ-અલગ ટીમો બનાવીને બાતમીદારોને કામે લગાડયા હતા.
LCB સ્કવોર્ડને વણા-મોઢવાણાના સિમાડે આવેલ ગલા હરી તલાવડી પાસે શંકાસ્પદ શખ્યો હોવાની માહિતી મળી હતી. લખતર તાલુકાના વણા-મોઢવણા ગામના સીમાડે ઝેઝરીનો મુસ્તુફાખાન રહીમખાન જતમલેક દેશી બનાવટની પીસ્તોલ કિંમત રૂપિયા 20 હજાર સાથે પકડાયો હતો અને વણાનો પોપટ ઉર્ફે શકિત લાલજીભાઇ પંચાળા દેશી બનાવટના તમંચો રૂપિયા 5 હજા૨ સાથે ઝડપાયો હતો.
આ બન્ને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ મૂળ એમપીના અને હાલ ખેતમજૂરી કરતા શખ્સ પાસેથી હથીયાર લીધાનું કબૂલ્યુ હતું. આથી પોલીસે વણાના પ્રકાશભાઇ પટેલની વાડીમાં કામ કરતા એમપીના અલીરાજપુર જિલ્લાના સોડવા તાલુકાના બઇડીયા ગામના દરબાન રાયસીંગભાઇ અવાસીયાને ત્યાં દરોડો કરી તેને રૂપિયા 45 હજારના ગેરકાયદેસર હથીયાર 3 સાથે પકડી લીધા હતા.
દરબાન રાયસીંગભાઇની પૂછપરછમાં તેના મામા પાસેથી હથીયાર લાવ્યો હોવાનું જણાવતા પોલીસે રાયસીંગભાઇના મામા મૂળ એમપીના હાલ વણા સરપંચ વાસુભાઈ પટેલની વાડી દરોડો કરી કુંવરસિંહ ઉર્ફે ગોરધન સુનરીયાભાઇ ચંગુર અને ડુમાભાઇ કેશતાભાઇ ભચડીયાને ત્રણ હથીયાર રૂપિયા 26 હજારની મત્તા સાથે પકડી લીધા હતા.પોલીસની તપાસમાં કુંવરસીંહ એમપીમાંથી ગોવીંદ ઉર્ફે કાલુ આદીવાસી પાસેથી હથીયાર લકઝરી બસમાં લાવ્યો હોવાની કબુલાત કરી હતી અને તેના ભાણા રાયસીંગભાઇને વેચવા આપ્યા હતા.