સુરત: શહેરમાં બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં રોજેરોજ બસ ચાલક કોઈને કોઈ લોકોને અડફેટે લઇ રહ્યા છે. તેવી જ એક ઘટના શહેરના પાલ-ઉમરા બ્રિજ ઉપર BRTS બસે બાઈક સવાર યુવકને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ તથા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જો કે ઘટનાની જાણ તથા જ પાલ પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
"આ ઘટના ગઈ કાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ પાલ-ઉમરા બ્રિજ ઉપર બની હતી. જ્યાં મૃતક જશ રાજેશભાઇ દેવગાણિયા જેઓ 21 વર્ષના હતા. તેઓ અડાજણ વિસ્તારમાં આવેલ ક્રોમાં મોલની પાછળ શાંતુનુઝ બગલોમાં રહેતો હતો. તેઓ ગઈકાલે બાઈક ઉપર બહાર નીકળ્યો હતો. તે દરમિયાન બ્રિજ ઉપર તેમને સીટી બસ ચાલકે અડફેટે લીધો હતો."--જયેશ કાનજી (પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
અભ્યાસ માટે કેનેડા: વધુમાં જણાવ્યું કે, મૃતક જશ રાજેશભાઇ દેવગાણિયા જેઓના પિતા કન્સ્ટ્રકશન લાઇનના વેપાર સાથે સંકળાયેલા છે. બે ભાઈઓમાં જશ નાનો દીકરો હતો. હાલમાં ઓટોમોબાઇલ માં ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કર્યું હતું.અને હવે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ મામલે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ.
અમદાવાદમાં પણ બન્યો એવો જ કિસ્સો: અમદાવાદમાં વહેલી સવારે શાહપુર વિસ્તારમાં રૂટ નંબર 67/1 ની બસની અડફેટે આવી જતા 74 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જોકે આ ઘટનામાં ટ્રાફિક પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને બસ ચાલક કીરીટ રાઠોડની અટક કરી હતી. પરંતુ પરિવારે ફરિયાદ કરવાની ના પાડતા મામલો દબાઈ ગયો છે. પરંતુ અનેક કિસ્સામાં આ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા અકસ્માત સર્જી લોકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે.