સુરતઃ દુનિયાના બે શક્તિશાળી દેશોનાં રાષ્ટ્રપ્રમુખની મિત્રતા સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમની નોટો પર નજર આવી રહી છે. જી હા આ ખાસ નોટો નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખી સુરતના જ્વેલર્સ દિપક ચોકસી દ્વારા તૈયાર કરવામાં આવી છે. લગ્નસરાની સિઝનમાં તો લોકો જ્વેલરીની ખરીદી કરતા હોય છે પરંતુ 'નમસ્તે ટ્રમ્પ' ઈવેન્ટને ધ્યાનમાં રાખી આ ખાસ નોટ તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત અઢી હજારથી માંડી અઢી લાખ સુધીની છે. કદાચ ટ્રમ્પે પણ ક્યારેય વિચાર્યું ન હશે કે, ભારતમાં તેમનું આટલી હદે જોરદાર સ્વાગત થશે કે, સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમની નોટોમાં તેમની તસવીર પણ મૂક વામાં આવશે.
આ નોટો જેટલી ખાસ છે તેટલું જ તેનું ખાસ કવર પણ છે. સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમમાં તૈયાર કરવામાં આવેલી આ નોટોને જ્યારે જોવામાં આવે, ત્યારે તેમની ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર છે. બંને શક્તિશાળી દેશના નેતાઓની તસવીર મોંઘી ધાતુથી તૈયાર થયેલા નોટને વધુ આકર્ષક અને શક્તિશાળી બનાવે છે.
આ ખાસ નોધ તૈયાર કરનાર દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, હાલ 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટના કારણે આ નોટોની ડિમાન્ડ બજારમાં વધી છે. લોકો પોતાની બજેટને અનુસાર આ નોટો ખરીદી રહ્યા છે. સાથે તેઓ બે નોટો, એક નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને બીજો વોશિંગ્ટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ કરશે.બન્ને રાષ્ટ્રીય પ્રમુખોની આ મુલાકાત દુનિયામાં નવા સમીકરણો ઉભા કરી શકે છે કારણ કે, અમેરિકા આર્થિક મહાસત્તા છે તો બીજી તરફ ભારત આર્થિક રીતે મજબૂત થઈ રહ્યું છે.