સુરતઃ જિલ્લાના માંડવીના વિસડાલીયા ક્લસ્ટરની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ છે. વન વિભાગ સંચાલિત આ ક્લસ્ટર અંતર્ગત આવતા 32 ગામના અનેક પરિવારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વિવિધ પ્રકારની તાલીમ સાથે વ્યવસાયની તક પણ પૂરી પાડવામાં આવે છે.
માંડવી તાલુકામાં વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં સફળતા પણ મળી છે. વિસડાલીયા કલ્સસ્ટર આદિવાસીઓ માટે રોજગારીનું માધ્યમ બન્યું છે. જેના કારણે કલસ્ટરની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઇ છે. વિસડાલીયા ક્લસ્ટરમાં 32 ગામનો સમાવેશ થાય છે. આ ગામના લોકોને ઘરઆંગણે રોજગારીનો અવસર આપ્યો છે. આ ઉપરાંત લોકોને તાલીમ આપવામાં આવે છે અને સાથે-સાથે વ્યાપારની તક પણ પૂરી પાડવામાં આવે છે.
સ્થાનિક નાના આદિવાસી વ્યવસાયીઓ મસાલા, દાળ, બેકરી પ્રોડક્ટ, વનશ્રી રેસ્ટોરન્ટ, મશરૂમનો વ્યવસાય કરી રોજગારી મેળવી રહ્યાં છે. અહીં વાંસની વિવિધ વસ્તુઓ જેમ કે, વાંસના ડાઈનિંગ ટેબલ, સોફાઓ, ડીનર સેટ, ટ્રી-હાઉસ, ટેબલ લેમ્પ, સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે. જેને 'રૂરલ મોલ'માં વેચવામાં આવે છે.
વન વિભાગ દ્વારા લોકોને પોતાની ક્ષમતા પ્રમાણે અલગ-અલગ પ્રકારના યુનિટમાં તાલીમ આપવામાં આવે છે અને વ્યવસાય શરૂ કરવા માટે કાચો માલ અને સાધન-સામગ્રી પૂરી પાડવામાં આવે છે. હાલ આ ક્લસ્ટરમાં 150 જેટલા લોકો પ્રત્યક્ષ અને 550 લોકો પરોક્ષ રીતે રોજગારી મેળવીને પગભર બન્યાં છે. તેમજ આજુબાજુના ગામના લોકો પાસેથી કાચોમાલ ખરીદી તેને કારીગરો પાસે તૈયાર કરાવીને રૂરલ મોલ અને સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે.
આ ક્લસ્ટરમાં માંડવી તાલુકાના રેગામા ગામના રહેવાસી દિક્ષિતભાઇ ચૌધરી અને તેમના પત્નિ જયશ્રીબેન ચૌધરી તાલીમમાં નામ નોંધાવ્યું અને તાલીમ મેળવી છે.
જયશ્રીબેન ચૌધરી જણાવે છે કે, ક્લસ્ટરમાં બે વર્ષથી કામ કરીએ છીએ. છ મહિના સુધી વનશ્રી રેસ્ટોરન્ટમાં કામ કર્યું. અમે મહિને 13થી 15 હજાર રૂપિયાની આવક મેળવીએ છીએ. અમારા પરિવારનું સુખરૂપ ગુજરાન ચલાવીએ છીએ.
આ અંગે વાત કરતા દિક્ષિતભાઈ ચૌધરી જણાવે છે કે, પહેલા હું શાકભાજી વેચવાનું કામ કરતો હતો. જેના માટે ગામે ગામ ફરવુ પડતું અને કમાણી ઓછી થતી. ત્યારબાદ વાંસકામની તાલીમ મેળવી અને કામ મળી ગયું. ક્લસ્ટરમાં અમારી સ્વઉત્પાદિત વસ્તુઓ બનાવી, રૂરલ મોલના માધ્યમથી વેચી શકીએ છીએ. જેમાં અમને સારી એવી કમાણી પણ થાય છે. તાલીમ દરમિયાન પણ રૂ. 100 લેખે દૈનિક મહેનતાણું આપવામાં આવતું હતું.
નાયબ વનસંરક્ષક પુનિત નૈયરના માર્ગદર્શન હેઠળ આદિવાસી વનક્ષેત્રમાં લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તેવા પ્રયાસોને સફળતા મળી છે.