સુરતઃ શહેરના નાનપુરા સ્થિત કેવટ સર્કલ નજીક અઠવાડિયા અગાઉ એક લગ્ન પ્રસંગ હતો. તે દરમિયાન લગ્ન પ્રસંગ વેળાએ પરિવાર દ્વારા બોલાવવામાં આવેલ વીડિયો શૂટ કરનાર શખ્સએ સોનાના ઘરેણાં તેમજ કિંમતી ચીજ-વસ્તુઓ પર હાથફેરો કર્યો હતો. એક તરફ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યાં બીજી તરફ વીડિયો શૂટ કરવા આવેલા શખ્સે ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી સોનાના ઘરેણાંની ચોરી કરી લીધી હતી.
જો કે, શખ્સને ખબર નહોતી કે ઘરમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યાં છે. જ્યાં શખ્સની તમામ ગતિવિધિઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. નાનપુરા વિસ્તારમાં જ રહેતા ગણેશ ગોપાલભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં વીડિયો શુટીંગનું ઓર્ડરથી કામ કરે છે. જ્યાં નજીકમાં જ લગ્ન પ્રસંગ હોય તેમણે લગ્નમાં વીડિયો શૂટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે, તેનો ગેરલાભ ઉઠાવી કેમેરામેન દ્વારા ચોરીનીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ ચોરીની ઘટના અંગેની જાણ બાદમાં પરિવારને થતા તેઓએ અઠવા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.