મહા વાવાઝોડાની અસરના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો મબલક પાક મહા વાવાઝોડાની અસરના કારણે નિષ્ફળ ગયો છે. કાપણીના સમયે જ મબલક પાક લેવાનો હતો, તે પહેલાં જ વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ખેતરોમાં રહેલ શાકભાજી ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. સુરતના સરદાર માર્કેટમાં પ્રતિદિવસ થલવાતો શાકભાજીનો જથ્થો ખૂબ જ ઓછો આવી રહ્યો છે. જેમાં તુવેર, ચોળી, ટામેટા, ગવાર, આદુ અને લસણ જેવા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. હવે વાતાવરણ સામાન્ય બન્યું છે અને ખેડૂતો નવેસરથી પાક લેવાનું શરૂ કરી રહ્યા છે. જેથી આશા છે કે, શાકભાજીના ભાવો ટૂંક જ સમયમાં ઓછા થશે.
આ પણ વાંચો....ભરૂચમાં પુરની પરિસ્થિતિ બાદ શાકભાજીના ભાવો આસમાને
સુરત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના પેટ પર પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે.સુરતની APMC માર્કેટમાં ઠલવાતા શાકભાજીના મબલક પાકમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય વર્ગથી લઇ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. સામાન્ય દિવસોમાં જે ગૃહિણીઓ 10 થી 15 રૂપિયાનું અઢીસો ગ્રામ શાકભાજી ખરીદતી હતી, તે ગૃહિણીઓએ આજે 30 રૂપિયા ના ભાવે ખરીદી કરવા મજબુર બની છે.
શાકભાજીના ભાવ પર એક નજર
ટામેટા: 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો
આદુ: 100 થી 120
લસણ: 200 થી 280 રૂપિયા કિલો
તુવેર: 70 થી 80 રૂપિયા પ્રતિકીલો
લીંબુ: 50 થી 60 રૂપિયા કિલો
ગુવાર: 70 થી 80 રૂપિયા કિલો
કમોસમી વરસાદના કારણે જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.