- ગત 24મી જુલાઈનાં રોજ તેઓની તબિયત લથડતાં સારવાર માટે ખસેડાયા હતા
- તબીબોની ભૂલથી પરિવારે એકમાત્ર આધારસ્તંભ ગુમાવ્યો
- મૃતકનાં બનેવીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો
સુરત : બોમ્બે માર્કેટ રોડ પર આવેલી મારૂતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં બે તબીબ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે. દર્દીની સારવારમાં બેદરકારી રાખતા તેનું મોત થયું હતું. જેને લઈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દર્દીના પરિવારજને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હેમરેજીક ડેન્ગ્યું ફિવર હોવાનું જણાવી યોગ્ય સારવાર કરી ન હતી
સુરતના ત્રિકમ નગર પાસે વિરલભાઈ રમેશભાઈ કોરાટ પત્ની સાથે રહેતા હતા. ગત 24 જુલાઈનાં રોજ તેઓની તબિયત લથડતાં તેઓ વરાછા સ્થિત બોમ્બે માર્કેટ રોડ પર આવેલી મારૂતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં ડૉ. મહેશ નાવડિયા અને ડૉ. ઘનશ્યામ પટેલે વાયરલ ડેન્ગ્યું ફેવરને હેમરેજીક ડેન્ગ્યું ફીવર જણાવીને તેઓની યોગ્ય સારવાર કરી ન હતી.
સારવાર શરૂ કર્યાનાં 60 કલાકની અંદર જ નિપજ્યું હતું મોત
તેમની સારવાર શરૂ કર્યાનાં 60 કલાકની અંદર જ વિરલભાઈનું મોત થયું હતું. આ મામલે વિરલભાઈના બનેવી પારસભાઈ વઘાસીયાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વરાછા પોલીસે બંને તબીબો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.