- સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો
- આમ આદમી પાર્ટીના 400 કાર્યકર્તા એકસાથે એનસીપીમાં જોડાયા
- ટિકિટ ન મળતા તમામ કાર્યકર્તાઓએ એકસાથે AAP સાથે બળવો કર્યો
સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા ટિકિટ મેળવવા માટે એડી ચોટીનું જોર લાગવાનું અને પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે સુરતના કોસાડ ખાતે આવેલા મુખ્ય કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો એનસીપીનો ખેસ પહેર્યો હતો. આ ઉપરાંત એનસીપી પાર્ટીમાંથી વધુ 11 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. આ અગાઉ એનસીપીએ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને હવે 11 ઉમેદવારો મળી કુલ 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
આમ આદમી પાર્ટીમાં પડ્યું ગાબડું
એક તરફ આમ આદમી પાર્ટી સુરતમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે આ 400 કાર્યકરો એનસીપીમાં જોડાતા. આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયું છે. આ તમામ કાર્યકરો નારાજ હોવાથી એનસીપીમાં જોડાયા હોવાની વાત સામે આવી છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણીના કેવા રંગો જોવા મળશે તે જોવું રહ્યું.
આ વખતની ચૂંટણી રસાકસીભરી રહે તેવા એંધાણ
એક તરફ ભાજપમાં ટિકિટને લઈને કાર્યકરો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ એનસીપી અને આપ પાર્ટી પણ મેદાનમાં છે. બીજી તરફ કોંગ્રેસે નામ જાહેર કરી દીધા હોવાથી તમામ કાર્યકરો પ્રચારમાં લાગી ગયા છે. આ વખતની ચૂંટણી રસાકસીભરી રહેશે પણ જનાદેશ શું આવે છે તે જોવું રહ્યું.
તમામ કાર્યકર્તા સક્રિય ન હતા
400 જેટલા કાર્યકરોએ એનસીપીમાં જોડાતા પ્રદેશ આપ પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, ટિકિટ ન મળતા કાર્યકરોમાં નારાજગી છે. આ તમામ કાર્યકર્તા સક્રિય પ્રચાર કર્યા હતા. જોવા જેવી વાત આજે કે માત્ર એક વોર્ડમાંથી 400 કાર્યકર્તા એનસીપીમાં જોડાયા છે. આથી અનુમાન લગાવી શકાય કે, આમ આદમી પાર્ટીમાં કાર્યકરોની સંખ્યા સારી છે અને તેઓ પક્ષ માટે કામ કરવા માટે અગ્રેસર છે.