વિરને ગઢિયા નામનો યુવક ગત રોજ બાઇક પર ચોકબજાર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રાફિક પોલીસે તેને આંતરીને લાઈસન્સ અને આરસી બુક માંગી હતી. યુવકે લાઈસન્સ અને આરસી બુક બતાવી હતી એટલે ટ્રાફિક પોલીસે તેની પાસે હેલમેટ ન પહેર્યું હોવાથી 100 રૂપિયા માંગ્યા હતા. યુવકે કહ્યું કે, કોઈએ હેલમેટ પહેર્યું નથી. તેથી રૂપિયા નહીં આપે. ત્યાર બાદ પોલીસ અને ટીઆરબી જવાનો યુવકને ચોકીમાં લઈ જઈને દરવાજો બંધ કરીને મારવા લાગ્યા હતા.
તો બીજી તરફ કોઈ કેમેરો લઈને પહોંચી જતા યુવકને મારવાનું બંધ કર્યું હતું. ટીઆરબી જવાનો મોઢું સંતાડવાનો પ્રયાસ કરતા હતા. આ પ્રકારનો વીડિયો પણ વાઈરલ થયો છે. આ બાબતે ટ્રાફિક એસીપી એ.પી. ચૌહાણને પૂછતા તેઓએ કહ્યું કે આવી કોઈ વાત તેમના ધ્યાન પર નથી. જો આવું થયું છે તો તે ખોટું થયું છે. તપાસ કરાવડાવી લઉ છું.
ચોકબજાર પોલીસ ચોકીનો દરવાજો ખૂલ્યો તો અંદરનું દ્રશ્ય જોઇ કડવું સત્ય સામે આવ્યું હતું. ચોકીના ચારથી પાંચ જવાનો હેલમેટ નહીં પહેરવાના ગુનામાં પકડેલા એક યુવકને દંડા વડે માર મારી રહ્યા હતા. તે બાદ ચારેય પોલીસ કર્મીના ચહેરા પર શરમનો છાંટો પણ દેખાતો ન હતો. જો જવાનોએ કંઇ ખોટું કર્યું ન હોય તો મોં કેમ છૂપાવે. યુવકનો મોબાઇલ પણ કેમ છીનવી લીધો હતો.