બે દિવસ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ દરમિયાન વાહન ચાલક પાસેથી ખોટી રીતે 500 રુપિયા પડાવી લેનાર ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થયો હતો. સુરતના ઉતરાણ ખાતે રહેતા મિલન અરવિંદભાઈ દેસાઈએ સુરત પોલીસ કમિશ્નરને આ અંગે વીડિયો સાથે લેખિત ફરિયાદ કરી હતી. જે ફરિયાદને અનુસંધાને અંતે એ.એસ.આઈ.ને સસ્પેન્ડ કરાયાં છે.
સસ્પેન્ડ કરાયેલા આર.જે. પરમારે વાહન ચેકીંગ દરમિયાન એક વાહનચાલકને ઉભા રાખી 1000 રુપિયાની માંગ કરી હતી. દરમિયાન 500 રુપિયામાં સમાધાન કર્યું હતુ. પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ રહી હતી. અરજદારે ખાનગી રીતે પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલી માંગને રેકર્ડ કરી લીધી હતી.
અરજદારે જાહેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે એ.એસ.આઈ. પાવતી જોઈતી હોય તો ઓછામાં ઓછા 1000 રુપિયાની માંગ કરી રહ્યાં છે. દરમિયાન અરજદાર પાસેથી 500 રુપીયાની નોટ લઈ પોતાના ખિસ્સામાં મુકતા નજરે ચઢી રહ્યાં છે. આ વીડિયો સુરત સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ જતા પોલીસતંત્ર સામે લોકોએ જાતભાતની કટાક્ષ કર્યા છે. તેમજ આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.