સુરતઃ ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશનની મંજૂરી બાદ હૈદરાબાદ, જયપુર, દિલ્લી અને મુંબઈ માટે સુરત એરપોર્ટથી ફ્લાઇટ ઓપરેટ થવા જઈ રહી છે. દરમિયાન સ્પાઇસ જેટની સવારના 8 વાગીને 10 મિનિટે સુરતથી ઉપડનારી દિલ્લીની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
જેના કારણે સવારના પાંચ વાગ્યાથી એરપોર્ટ આવી પહોંચેલા તમામ પ્રવાસી અટવાઈ પડ્યા હતા. જ્યાં એરપોર્ટ પર પ્રવાસીઓનો હોબાળો પણ જોવા મળ્યો હતો. ફ્લાઇટ ક્યાં કારણોસર રદ કરવામાં આવી તેની જાણકારી પણ પ્રવાસીઓને સ્પાઇસ જેટ કંપની દ્વારા આપવામાં આવી ન હતી. જેથી મુસાફરો પણ અકળાયા હતા. એટલું જ નહીં અટવાયેલા પ્રવાસી પૈકી એક પ્રવાસી અમૃતસરનો હતો. જ્યાં તેણીની પત્નીનું અવસાન થઈ જતા સુરતથી દિલ્લીની ફ્લાઇટ કરાવી હતી.પરંતુ ફ્લાઇટ રદ થતા આ પ્રવાસીની હાલાકી વધી હતી.
પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટે અટવાયેલા પ્રવાસી પોતાની વેદના વ્યકત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટથી હૈદરાબાદ,જયપુર, દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ આજથી ઓપરેટ થવાની છે. જો કે તે પહેલાં સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ થતાં પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પ્રવાસીને રિફંડ પણ પૂરેપૂરું આપવામાં આવ્યું ન હતું. જેના કારણે પ્રવાસીઓ અને એરલાઇન્સ કંપનીના કર્મચારીઓ વચ્ચે ભારે રકઝક થઈ હતી.