સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે જે ત્રણેય શખ્સોની ધરપકડ કરેલી છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સુરતના અડાજન અને ઉમરા વિસ્તારમાં મોટરસાયકલની ચોરી કરીને સુરત શહેર પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યાં હતા. એક પછી એક ચોરીની ઘટનાઓ બાદ પોલીસ પણ ગુનો દાખલ કરી આરોપીઓને શોધવા માટે મહેનત કરી રહી હતી. જેમાં સુરત શહેર પોલીસના ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, સંદીપ ઉર્ફે ખજાનચી શીચરણ શાહ, હીતેશ ઓખાભાઇ રાજપુત, ભરત ઉર્ફ બીજે જોધાભાઇ રૂપાભાઇ ગોહીલ પાસે ચોરીની મોટરસાયકલ છે. જેથી ત્રણેયની અટકાયત કરી પોલીસે ચોરીની બે એકટીવા તથા બજાજ પલ્સર મોટરસાયકલ અને એપલ મોબાઇલ ફોન મળી કુલ 1.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ત્રણેય આરોપીઓનો પૂર્વ ઇતિહાસ તપાસતા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી સંદીપ શાહને ભરત ગોહીલ સાથે છેલ્લા 14 વર્ષથી મિત્રતા છે. સંદીપ શાહનો એક મિત્ર સુનિલ વાંસકોડાએ એપ્રિલ-2019ના વર્ષમાં ઉમરા વિસ્તારમાંથી એક એક્ટિવાની ચોરી કરેલી હતી. જે એક્ટિવા તેઓએ ભરત ગોહીલને વેચી હતી. આ ભરત ગોહીલ મારફતે તેના વતન બનાસકાંઠાના વતની અને સુરત કતારગામ ખોડીયાર નગરમાં રહેતા હીતેશ રાજપુત સાથે સંદીપ શાહનો પરીચય થતા સંદીપ શાહએ ભરત ગોહીલ અને હીતેશ રાજપૂતને ચોરીના વાહનો બનાસકાંઠા વેચી દેવાનો પ્લાન સમજાવી સંદીપ શાહે તેના સાગરીત સુનિલ વાંસકોડા સાથે ઉમરા અને અડાજણ વિસ્તારમાં વાહન ચોરીનો તરખાટ મચાવી દીધો હતો.
સંદીપ શાહ અને સુનિલ વાંસકોડાએ ચોરી કરેલ વાહનો પૈકી 4 વાહનો હીતેશ રાજપુતને આપ્યા હતા. તેમજ એક એકટીવા ભરત ગોહીલને તેમજ ચોરીના બીજા 8 વાહનો પોતાના ગુજરાત હાઉસીંગ બોર્ડની પાછળની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મુકી રાખેલ હતા. હિતેશ રાજપૂતે સંદીપ શાહ પાસેથી ખરીદેલ 4 વાહનો પૈકી ત્રણ વાહનો બનાસકાંઠામાં વેચાવા માટે કતારગામ વિસ્તારમાં પાર્ક કરી મુકી રાખેલા અને એક એક્ટિવા પોતે હંકારતો હતો. જે 11 વાહનો તેમજ આરોપીના કબજામાંથી મળી આવેલ કુલ 3 વાહનો મળી કુલ 14 વાહનો કુલ રૂ 5,33,000નો મુદ્દામાલ કાઇમબ્રાંચની ટીમે જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત અડાજણ વિસ્તારમાંથી ચોરી કરેલ એક બુલેટ તથા ઉમરા વિસ્તારમાંથી ચોરી કરેલ એક બજાજ આરોપીઓએ બનાસકાંઠા વિસ્તારમાં વેચેલ હોવાની કબૂલાત કરેલ છે. આરોપીઓ સંદર્ભે ક્રાઇમ બ્રાંચના એસીપી આર.આર.સરવૈયાએ જણાવ્યું હતું કે, મોજશોખ માટે તમામ આરોપીઓ વાહનોની ચોરી કરતા હતાં. જેમાં ઉમરા અને અડાજણ વિસ્તારમાં આવેલા વીડિયો થિયેટર અથવા સિનેમાગૃહની બાહર અનલોક કરાયેલી મોટરસાયકલને ટાર્ગેટ કરી ચોરી કરતા હતા.